Vadodara

બોલાચાલી બાદ પુત્રે માતાને લોખંડના સળીયાથી મારી, દીવાલમાં માથુ પછાડી મારી નાખી



વડોદરાના વારસિયામાં માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો




શહેરના વારસિયા વિસ્તારમાં ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા કળીયુગી પુત્રે લોખંડનો સળિયાનો માથામાં ઘા મારીને ક્રૂરતા પૂર્વક પોતાની જનેતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વારસીયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સગી માતાના હત્યારના પુત્રને ઝડપી પાડી તેની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશન અંતર્ગત રાધેશ્યામ સોસાયટીની બાજુમાં એક મહિલા ઓમ સાંઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા હતા. દુકાનની ઉપર તેઓ પોતાનું મકાન બનાવ્યું હતું. જે મકાનમાં 60 વર્ષીય કમલારાની અરોરા નામની મહિલા પોતાના પુત્ર હિમાંશુ અરોરા ( ઉં.વ.35) રહેતા હતા. પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગનું કામ કરતો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 10 માર્ચને રવિવારના રોજ રાબેતા મુજબ તેમની દુકાન પુત્રે ખોલી હતી. દરમિયાન કોઇ કારણોસર માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને માતા કાઇ સમજે તે પહેલા ઘરમાં પડેલો લોખંડના સળિયા વડે લઇ આવ્યો હતો અને માતાના માથામાં હિંસક રીતે હુમલો કર્યો હતો. આ ઉપરાંત માતાનું માથું દીવાલમાં પછાડી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેની જાણ વારસીયા પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારસીયા વિસ્તારમાં સગા પુત્રે માતાની હત્યા કરી હોવાની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા જામ્યા હતા.


પોલીસ દ્વારા તપાસ કરવા માટે એફએસએલની મદદ લેવાઇ

વારસિયા વિસ્તારમાં રહેતા સગા પુત્રે પોતાની માતાની હત્યા કરી હતી. પોલીસ દ્વારા કળીયુગી પુત્રની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે યુવક પોલીસને ગોળગોળ જવાબ આપતો હોય વૃદ્ધ માતાની હત્યા કયા કારણોસર કરી, હત્યા પાછળનું કારણ અને પરિવાર અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. વારસીયા પોલીસ દ્વારા હત્યા કેસમાં તપાસ કરવા માટે એફએસલની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધી હતા.

મૃતક મહિલાનો અન્ય એક પુત્ર માનસિક રીતે અસ્થિર હોય મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ છે

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ દિલ્હીનો પરિવાર વર્ષો પહેલા અહિયા રહેવા માટે આવ્યો હતો. મકાનમાં હાલમાં માતા અને પુત્ર રહેતા હતા. જ્યારે મહિલાની દીકરી મુંબઈ ખાતે રહેતી હોવાનું સામે આવ્યું છે. મહિલાને અન્ય એક પુત્ર છે જે યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જેથી પોલીસ મૃતક મહિલાની દીકરીને બોલાવવાની તજવીજ હાથ ધરી છે.

કોઇની સાથે વાત નહી કરતા હોય પાડોશીઓને નામ પણ નથી ખબર

પોલીસ સૂુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૂળ દિલ્હીના માતા અને પુત્ર દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ વડોદરા શહેરમાં તેમના કોઇ સંબંધ રહેતા નથી. તેઓ ઘરમાંથી બહાર ઓછુ નીકળતા હોવાના કારણે પાડોશીઓને તેમના નામ શુધ્ધાની પણ તેમને જાણ નથી.

પુત્ર 35થી વધુ વર્ષનો થઇ ગયો હોવા છતાં લગ્ન થતુ ન હતું


એક ઘરમાં રહેતા માતા અને પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. પુત્ર 35થી 40 વર્ષનો થઇ ગયો હોવા છતાં તેના કોઇ માગા આવતા ન હતા અને તેનું લગ્ન થતું ન હતું. જે બાબતે અવાર નવાર તેમના વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન બંને વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતા પુત્રે માતા પર લોખંડનો સળિયો માર્યો હતો ત્યારબાદ અત્યંત ક્રૂરતા પૂર્વક માતાનું માથુ દિવાલમા પછાડ્યું હતું. જેથી ગંભીરરીતે ઇજા પહોંચી તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top