બોરસદ પોલીસે ફરજ પરના બે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બોરસદ સબ જેલના બે ગાર્ડ દરવાજા ખુલ્લા મુકી બહાર નિકળતાં કેદીએ લાભ લીધો
બોરસદ સબજેલમાંથી કેદી ફરારનો સિલસિલો યથાવત રહ્યો છે. સબજેલના બે ગાર્ડ દરવાજા ખુલ્લા મુકી બહાર નિકળ્યાં હતાં, તે તકનો લાભ લઇ દૂષ્કર્મનો આરોપી ભાગી ગયો હતો. મોડે મોડે પોતાની ભુલનું ભાન થતાં બન્ને ગાર્ડે પકડવા કોશીષ કરી હતી. પરંતુ બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યાં હતાં. આખરે આ અંગે પોલીસે બે ગાર્ડ અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર મનુભાઈ દોઢેક વર્ષથી સબજેલ ખાતે સંતરી તરીકે નોકરી કરી રહ્યા છે. તેઓ 19મી માર્ચના રોજ સબજેલ ખાતે ફરજ પર હતાં અને તેમની સાથે જેલ ગાર્ડ ઇન્ચાર્જ તરીકે આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઉદયકુમાર શંકરભાઈની નોકરી હતી. આ ઉપરાંત સંત્રી ડ્યુટી તરીકે પોલીસ હેડ ક્વાટર્સથી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ જીવાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મલ્હારીને પણ નોકરી આપવામાં આવી હતી. દરમિયાનમાં મોડી રાત્રિના એએસઆઈ ઉદયકુમાર અને બેરેક નં.2માં મુકવામાં આવેલો કેદી ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, દૂષ્કર્મનો આરોપી રોહિત ઉર્ફે રોતો રમેશ ઠાકોર (રહે. સૈજપુર) બેરેકમાં નથી અને ભાગી ગયો છે. આ વાત ચોંકી ગયેલા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ રોહિત ઉર્ફે રોતોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મળી આવ્યો નહતો. આ અંગે બોરસદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ તુરંત સબજેલ ખાતે દોડી આવ્યાં હતાં. આ જેલ ખાતેના સીસીટીવી કેમેરાના ફુજેટ જોતાં ગાર્ડ ઇન્ચાર્જ ઉદયકુમાર તથા સંત્રી પહેરા ડ્યુટીના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બન્ને બોરસદ સબ જેલનો મુખ્ય દરવાજો ખોલી બહાર જતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત બેરેક નં.2માં મુકેલો કેદી રોહિત ઉર્ફે રોતો ઠાકોર અને ઉમેશ પટેલ પણ સબ જેલીની લોબીમાં અને ખુલ્લી જગ્યામાં આંટા મારતા દેખાયાં હતાં. તે પછી કેદી રોહિત ઉર્ફે રોતો ઠાકોર બોરસદ સબ જેલનો મુખ્ય દરવાજો ખોલી રાત્રિના 1.12 વાગ્યાની આસપાસ બહાર નિકળી ભાગી ગયો હતો. પ્રાથમિક તપાસમાં રોહિત ઉર્ફે રોતો (રહે. સૈજપુર, તા. બોરસદ) સામે વિરસદ પોલીસ મથકે દૂષ્કર્મનો ગુનો નોંધાયેલો છે. જે ડિસેમ્બર-23થી બોરસદ સબજેલમાં હતો અને બેરેક નં.2માં મુકવામાં આવ્યો હતો. ગાર્ડ ઇન્ચાર્જ એએસઆઈ ઉદયકુમાર શંકરભાઈ અને સંત્રી પહેરા ડ્યુટી હેડ કોન્સ્ટેબલ દિનેશ મલ્હારીએ 20મી માર્ચ,24ના રોજ બેરેક નં.2માં રહેલા કેદી રોહિત ઉર્ફે રોતો ઠાકોર તથા ઉમેશ પટેલને મધ્ય રાત્રિના સમયે બેરેકમાંથી બહાર કાઢી પોતે આ કેદીઓને બેરેકમાંથી બહાર કાઢેલા હોય જે ભાગી જવાની શક્યા હોવા છતાં બન્નેને પોલીસ કર્મચારી સબજેલના મુખ્ય દરવાજો ખોલી જેલની બહાર નિકળી તે દરવાજો બહારથી બંધ કર્યો નહતો. જેથી ગફલતના કારણે કેદી રોહિત ભાગી ગયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે એએસઆઈ ઉદયકુમાર શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મલ્હારી તથા રોહિત ઉર્ફે રોતો રમેશ ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.