Charotar

બોરસદ એપીએમસીમાં 98.24 ટકા  મતદાન,આવતી કાલે 20 ઉમેદવારોનુ ભાવી ખુલશે 

(પ્રતિનિધિ) બોરસદ તા 11

 મતપેટીઓ સીલ કરાઈ, બુધવારે 25 મતપત્રકના 25 રાઉન્ડ મુજબ મતગણતરી 

બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની  સત્તા હસ્તગત કરવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે.  સોમવારે મોડી રાત સુધી મતદારોને રિઝવવા માટે ઉમેદવારોની દોડધામ યથાવત રહી હતી. જોકે ચુંટણીનું ધમાસાણ  છેલ્લી ઘડી સુધી યથાવત રહેતાં મતદાન પ્રક્રિયા દરમિયાન માન્ય મતદારોની સવારથી જ લાંબી કતારો લાગી ગઇ હતી. 

    બોરસદ એપીએમસીની બિલ્ડિંગમાં મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારો સહિત ઉમેદવારોનો ખૂબ મોટો જમાવડો જોવા મળ્યો હતો. મતદાન દરમિયાન અનિચ્છનીય બનાવો ના બને તે માટે ચુંટણી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બપોર સુધી મતદારોની લંગાર લાગી જતાં 80 ટકા મતદાન નોંધાયું હતું .

 મતદાન પ્રક્રિયાના શરૂઆતમાં બે કલાક દરમિયાન કુલ 625 મતદારો પૈકી 209 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 9થી 11 કલાકના પ્રથમ તબક્કામાં 33 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ બીજા તબક્કામાં 11 થી 1 સુધી 46.56 ટકા અને 1 થી 3 સુધી 17.92 અને 3 થી 5 સુધી 0.32 ટકા મતદાન નોંધાયું હતું. એકંદરે સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન સવારે 9 થી 5 સુધી 98.24 ટકા મતદાન નોંધાયું હતું. એકંદરે બોરસદ એપીએમસીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતપેટીઓ સીલ કરી દેવામાં આવી છે. બુધવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. નિયુક્ત થયેલા મતગણતરી કર્મચારીઓ નિયમાનુસાર મતગણતરી કામગીરી સવારે 8 વાગ્યે શરૂ કરનાર હોવાનું ચુંટણી અધિકારી ધ્વારા જણાવાયું છે. 

બોરસદ એપીએમસીમાં મતદાન પ્રક્રિયા માટે ચુંટણી તંત્ર દ્વારા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે. 625 મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા એક મતદાન મથકમા સાત મતદાન કુટીર બનાવવામાં આવી હતી. તેમજ પોલીસ બંદોબસ્ત પર ગોઠવવામાં આવ્યો હતો. ખૂબ જ રસપ્રદ બનેલી અને પ્રતિષ્ઠાના જંગ જેવી બોરસદ એપીએમસી ની 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી . ખેડૂત વિભાગના મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી અધિકારી દ્વારા એપીએમસીના મકાનના પહેલા માળે હોલમાં 7 જેટલી મતદાન કુટીર બનાવવામાં આવી હતી. તેમજ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 12 પોલિંગ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી . તદ ઉપરાંત બોરસદ એપીએમસીના 10 કર્મચારીનો સ્ટાફ પણ ચૂંટણી કામગીરીમાં જોડાયેલ હતો. એપીએમસીની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ દ્વારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મતદારો માટે ફરજિયાત રાખવામાં આવ્યા હતા. બેલેટ પેપરથી યોજાયેલા મતદાનમાં મતદારોએ દસ મત આપવાના હોવાથી મતદાન પ્રક્રિયા ધીમી રહી હતી. 

Most Popular

To Top