શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા બોરસદમાં શાંતિપૂર્ણ રેલી
ગૌવંશ હત્યા મામલે ઝડપી કાર્યવાહી તેમજ ઘટનાની યોગ્ય તપાસ થાય તેમજ આવું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તે માટે આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ) બોરસદ તા 21
બોરસદમાં રક્ષાબંધન પર્વના દિવસે જ હિન્દુ સમાજ માટે પૂજનીય ગણાતા ગૌવંશની હત્યાના બનાવ બન્યો હતો. બનાવ બાદ સમગ્ર બોરસદ શહેર સહિત સમગ્ર તાલુકામાં ખુબ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગૌવંશની હત્યાના બનાવ પગલે ભારે આક્રોશ ભભૂકી ઉઠયો હતો. હિન્દુ સંગઠનોએ ગૌવંશ બચાવ માટે તેમજ ગૌવંશ હત્યાના દોષિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બુધવારે રેલીનુ આયોજન કર્યું હતું. વિવિધ હિન્દુ સંગઠનો અને સમાજના પ્રતિનિધિઓએ બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ બોરસદના વન તળાવથી ટેકરીયાપુરા વિસ્તારમાં નહેર પાસે ગૌવંશ હત્યાનો બનાવ બન્યો હતો. રક્ષાબંધનના દિવસે ગૌવંશનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે ગૌવંશના શરીરના કેટલાક ભાગના અવશેષો મળી આવ્યા હતા. ગૌવંશની નિર્દયી હત્યાનું આવું કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવતન ન થાય તેની કાર્યવાહી માટે રેલી સ્વરૂપે હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી તેમજ ઘટનાની યોગ્ય તપાસ થાય બાબતે, આવું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તે માટેની કાર્યવાહી કરવા સારુ યોગ્ય હુકમ કરવા અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી.
હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત રેલી સંદર્ભે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્રએ ખુબ જ સતર્કતા રાખી હતી. બોરસદ પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત , રેલીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓના માર્ગદર્શનના પરિણામે શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્રનો કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો
શાંતિપૂર્ણ માહોલ માટે માત્ર રેલીનો જ કાર્યકમ, બંધનું એલાન મોકુફ
ગૌવંશ હત્યાના બનાવ બાદ સમગ્ર બોરસદ શહેર અને તાલુકાના સંગઠનોએ બોરસદના ગાર્ડનથી નવા સેવા સદનમા રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપ્યું . ગૌવંશ હત્યાનું કૃત્ય કરનાર દોષિતો સામે કડકપણે કાર્યવાહી કરવા માટે વિશેષ બેઠક કરીને સમગ્ર બોરસદ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે માત્ર રેલીનો જ કાર્યકમ નિશ્ચિત કરાયો હતો. બંધનું એલાન મોકુફ રખાયું હતું.
વિવિધ સંગઠનોની એકતા સાથે ગૌવંશ બચાવ માટે નિર્ણય
બોરસદમાં આવેદનપત્ર આપવા માટેના કાર્યક્રમ દરમિયાન બોરસદ શહેર તેમજ આસપાસના વિવિધ સંગઠનો એકતા રાખીને રેલીમાં જોડાયા હતા. ગૌવંશ બચાવ માટે અને ગૌવંશ હત્યાના બનાવમાં ન્યાયિક તપાસ માટે નિર્ણય કરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆત માટે જીવ દયા ગૌ રક્ષા સમિતિ, વડોદરા જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, રાષ્ટ્રીય ગૌરક્ષા સંધ, નરેન્દ્ર મોદી વિચાર મંચ, યુવા સેના વેલફેર ફાઉન્ડેશન, મહાકાલ સેના, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદના હોદ્દેદારો પ્રતિનિધિઓ, કાર્યકરો સહીત સમગ્ર બોરસદ શહેર તાલુકા હીન્દુ સમાજના લોકો જોડાયા હતા.
ગૌવંશ બચાવ કામગીરી કરતા ગૌ સેવકોને સુરક્ષા આપવા માંગ
આણંદ જીલ્લામાંથી ગૌ રક્ષકો હૂમલાઓ થયેલા છે, તેમજ અગાઉ ગૌ સેવકો પર હુમલાઓ થયેલા હોય તો ગૌ સેવકોને પ્રોટેકશન આપવા તેમજ ફરતી ચોકી બોરસદ શેહેરમાં ફાળવવામાં માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ આવેદનપત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમા જણાવ્યા મુજબ નામદાર હાઇકોર્ટના આદેશ મુજબ રસ્તાઓ પર ફરતી ગાયો તેમજ પશુઓ જાહેર જગ્યાએ રખડતા ન હોય તેનું પાલન થાય તેવું જણાવેલ હોવાથી તેમ છતાં બોરસદ શહેરમાં ગાયો તેમજ પશુઓ ફરતા હોય છે તો આવા સમયે ગૌ તસ્કરોને મોકળું મેદાન મળતું હોય છે તો આ બાબતે કાયદેરની કાર્યવાહી કરવા પણ ખાસ રજુઆત કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણ માસમાં જ ગૌવંશ કતલની ઘટના બનતાં વ્યાપક આક્રોશ
હાલમાં હિંદુ સમાજનો પ્રવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય આ ઘટનાથી હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ હોય તેવી રજૂઆત સાથે ઉપસ્થિત આગેવાનો ઉગ્ર વિરોધ વિરોધ વ્યક્ત કરી ગૌવંશ કતલ કરનારાઓને શોધીને કડકપણે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે સુત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ ઘટનાસ્થળ નજીકના આજુબાજુ તેમના વિસ્તારમાં, ખુલ્લા ખેતરોમાં, અવાવરું જગ્યાઓ પરના કતલખાના બંધ કરવા માટે પણ ઉગ્ર માંગ કરાઈ હતી.