બોરસદ તાલુકાના કાલુ ગામમાં ભાભીને બદનામ કરવાના મુદ્દે બે ભાઈ ઝઘડી પડ્યાં
પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરનારા મોટા ભાઈને નાનાએ ઠપકો આપતા લોહીયાળ પરિણામ આવ્યું
(પ્રતિનિધિ) બોરસદ તા.20
બોરસદ તાલુકાના કાળુ ગામમાં પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી વાતો કરનારા મોટા ભાઈને નાનાએ ઠપકો આપ્યો હતો. જેના કારણે બન્ને ભાઈ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં મોટાએ નાના ભાઇને ગળા પર છરીનો ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મોટાભાઈની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
બોરસદના કાલુ ગામમાં રહેતા રાધાબહેનના લગ્ન ગેમનસિંહ જેસંગભાઈ સિંધા સાથે થયાં હતાં. જ્યારે રાધાબહેનની મોટી બહેનના લગ્ન ગેમનસિંહના મોટા ભાઈ વિરસિંહ જેસંગભાઈ સિંધા સાથે થયાં હતાં. આમ એક જ પરિવારમાં બે ભાઇ સાથે બે બહેનના લગ્ન થયાં હતાં. જોકે, 15 વર્ષ પહેલા રાધાબહેનની મોટી બહેન એટલે જેઠાણીનું અવસાન થયું હતું. આથી, તેમના સંતાનોનો ઉછેર રાધાબહેન જ કરતાં હતાં. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિરસિંહ ચારિત્ર્યની શંકા કરી અવાર નવાર મ્હેણાં ટોણાં મારતો હતો. તેના નાના ભાઈ ગેમનસિંહને પણ તું બૈરાની કમાણી પર જીવે છે. તેમ કહી ગમે તેમ સંભળાવતો હતો. આ બાબતે બન્ને ભાઇ વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હતી અને ઉગ્ર ઝઘડા પણ થતાં હતાં.
દરમિયાનમાં ગેમનસિંહ અને વિરસિંહ શુક્રવારના રોજ સાંજના ફરી આ મુદ્દે ઝઘડી પડ્યાં હતાં. જેમાં વિરસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને ગેમનસિંહ પર હુમલો કર્યો હતો. જેમાં ગેમનસિંહને લાતો મારી પાડી દીધાં બાદ ચપ્પુ કાઢી ગળા પર ઘા ઝીંકી દીધો હતો. જેના કારણે ગેમનસિંહ લોહી લુહાણ થઇ ગયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેના કારણે વીરસિંહ ભાગી ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ગેમનસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલત ગંભીર જણાતાં તેને આણંદ રિફર કરવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યું નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વિરસદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ અંગે રાધાબહેનની ફરિયાદ આધારે વિરસિંહ જેસંગ સિંધા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.