મારે તને છુટી કરવી છે, મારે જેની સાથે આડા સંબંધ છે તેની સાથે લગ્ન કરવા છે તેમ કહી ધમકી આપી
(પ્રતિનિધિ) બોરસદ તા.6
બોરસદના કાશીપુરામાં રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ બંધાયા હતાં અને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ પત્નીને મારી નાંખવાની ધમકી આપી ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પત્ની અને પુત્રીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ત્રણ સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો.
બોરસદના ફતેપુર રબારી ચકલામાં રહેતા મહેજબીનબાનુના લગ્ન 8મી જાન્યુઆરી,2019ના રોજ બોરસદના કાશીપુરા કુંભારવાડા ખાતે રહેતા અરબાજોદ્દીન અખ્તરોદ્દીન મલેક સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન એક દિકરી અલીઝાનો જન્મ થયો હતો. શરૂઆતમાં લગ્નજીવન સારી રીતે ચાલતો હતો. પરંતુ 4થી ફેબ્રુઆરી, 2023ના રોજ અરબાજોદ્દીન રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ આવ્યો હતો. આથી, તેને આ અંગે પુછતાં તેણે હું લાકડાનો ધંધો કરૂ છું. જેથી ધંધાના કામ અર્થે મોડો આવું છું. તેમ જણાવ્યું હતું. પરંતુ થોડા સમય પછી મહેજબીનબાનુને જાણવા મળ્યું હતું કે, તેના પતિ ફળીયામાં રહેતી યુવતી સાથે આડો સંબંધ ધરાવે છે. આ અંગે અરબાજોદ્દીનને પુછતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારી નાંખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, મારે તને છુટી કરવાની છે. મારે તો જેની સાથે સંબંધ છે. તેની સાથે લગ્ન કરવાના છે. આ વાત સાસરીયામાં કહેતાં તેઓએ પણ અરબાજોદ્દીનનો પક્ષ લીધો હતો અને ત્રાસ આપવાનું શરૂ કરી દીધો હતો. ઘરનું કામકાજ બરાબર આવડતું નથી, તારા માતા – પિતાએ તને ખાવાનું બનાવતા શિખવ્યું નથી. તેમ કહી ઝઘડો કરતાં હતાં. દરમિયાનમાં 9મી ડિસેમ્બર,2023ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ પતિએ ઝઘડો કરી મહેજબીન અને દિકરી અલીઝાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આ સમયે સાસરિયાઓએ પણ અરબાજોદ્દીનનો પક્ષ લીધો હતો.
આથી, મહેજબીનબાનુ તેના પિયર આવી ગયાં હતાં. આ ગાળામાં અરબાજોદ્દીન તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. આ બન્ને જણા દસેક દિવસ પછી બોરસદ ટાઉન પોલીસ મથકમાં હાજર થયાં હતાં. જેમાં પ્રેમિકાને નારી કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. જ્યાંથી પણ તેની ભાગી ગઇ હતી. 22મી જાન્યુઆરી,24ના રોજ સાંજના મહેજબીન બજારમાં ખરીદી કરવા નિકળ્યાં તે સમયે તેના સાસરીયા રસ્તામાં મળ્યાં હતાં અને ઝઘડો કરી તું અમારા ઘરે પાછી આવીશ તો મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. આખરે આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અરબાજોદ્દીન અખ્તરોદ્દીન મલેક, અખ્તરોદ્દીન કૈયુમોદ્દીન મલેક અને મેમુનાબીબી કૈયુમોદ્દીન મલેક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.