કાલુ ગામ પાસે અકસ્માત સર્જાયો
બોરસદના કાલુ ગામ પાસે પુરપાટ ઝડપે જતાં છોટા હાથી ટેમ્પાના ચાલકની ગફલતના કારણે બાઇકને ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં બાઇક સવારનું મોત નિપજ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
બોરસદના બદલપુર ગામમાં રહેતા મુકેશ રતનસિંહ પરમાર ખેતી કામ કરે છે. તેમના ઘર નજીક કુટુંબી મોટા ભાઇ રમેશ પ્રભાતસિંહ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. જેમના ત્રણ સંતાનમાં બીજા નંબરનો પુત્ર સતીષકુમાર ઉર્ફે અજય (ઉ.વ.22) બાઇક નં.જીજે 10 ડીજી 7123નો ઉપયોગ કરે છે. દરમિયાનમાં મુકેશભાઈને જાણવા મળ્યું હતું કે, સતીષકુમાર ઉર્ફે અજય રમેશભાઈ પરમારને કાળુ – ખડોધી જવાના રોડ પર કાળુ ગામના ચરા પાસે અકસ્માત થયો છે. આથી, મુકેશભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જોયું તો સતીષ ઉર્ફે અજય રોડની બાજુમાં બેભાન અવસ્થામાં પડેલો હતો. તેને માથામાંથી લોહી નિકળતું હતું. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી, આસપાસના લોકોને પુછતો જાણવા મળ્યું હતું કે, અજય બાઇક પર બદલપુર – ખડોધી રોડ પર ખડોધી તરફ જતો હતો તે વખતે છોટા હાથીના ચાલકે તેનું વાહન પુરઝડપે હંકારી બાઇકને રોંગ સાઇડે ટક્કર મારી હતી. જેના કારણે અજય ફંગોળાઇને પડી ગયો હતો. જ્યારે છોટા હાથી રોડની બાજુમાં ઉતરી ગયું હતું. આથી, મુકેશભાઈએ નજીકમાં જોતા છોટા હાથી નંબર જીજે 23 ડબલ્યું 1935 પડ્યો હતો. અજયને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે મુકેશભાઈની ફરિયાદ આધારે વિરસદ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.