જ્વલનશીલ પ્રવાહી સળગી જતાં એક બાળક સહિત કુલ ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ
(પ્રતિનિધિ) બોરસદ તા 18
બોરસદ તાલુકાના રાસ ગામમાં ભારે વીજ પ્રવાહ વહન માટે જેટકો વીજ કંપની દ્વારા વીજ લાઈન માટેની કામગીરી હાલમાં ચાલુ છે. ત્યારે સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ એકાએક જ વીજ લાઈન કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન રસાયણ ભરેલ પીપમાં બ્લાસ્ટ થયો હતો.
આ બ્લાસ્ટ થતાં જ આસપાસના વિસ્તારમાં કામ કરતા ત્રણ કામદારો અને નજીકમાંજ પ્રસાર થતા એક બાળક દાઝી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે દાઝી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
રાસ ગામના વાડીયા પુરા વિસ્તારમાં બનેલા બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભારે વીજ પ્રવાહ વહન કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી જેટકો વીજ કંપની દ્વારા વીજ થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન વાડીયા પુરા વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા પીપનો બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી સળગી જતાં એક બાળક સહિત કુલ ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તો પૈકી ધોરણ પાંચમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ રમેશભાઈ તળપદા ઉ. વ. 12 ને વડોદરા એસ એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં વધુ સારવાર આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેટકો કંપનીના વીજ થાંભલાઓ ઉભા કરવા માટેની કામગીરી બોરસદ અને આંકલાવ તેમજ ખંભાત તાલુકાના વિવિધ વિસ્તારોમાં હાલમાં ચાલી રહી છે. વીજ થાંભલાઓ ઉભા કરવાની કામગીરીમાં હિન્દી ભાષી મજુરો ભારે જહેમત સાથે દિવસ-રાત જોડાયેલા રહે છે. ત્યારે રાસ ગામે પીપ બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આ કામગીરીમાં જોડાયેલા મજુર વર્ગ તેમજ આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. જેથી આવી કામગીરીમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.