છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાત્રિના 12:00 થી 1વાગ્યાના સમય ગાળામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો વીજ કચેરી ખાતે ભેગા થયા હતા અને અધિકારી લોકોની રજૂઆત સાંભળવા માટે બહાર ના આવતા ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતા અનેક સોસાયટીના લોકો પણ વીજ કંપની પર પહોંચ્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં એમજીવીસીએલ દ્વારા પોતાની નીતિ સુધારવામાં આવતી નથી અને પ્રિમોન્સૂન ના નામે 0% કામગીરી બતાવવામાં આવે છે. કેમકે વરસાદના બે છાંટા પડતા જ વીજ પુરવઠો બોડેલી તથા આસપાસના ગામડાઓમાં પણ બંધ થઈ જાય છે જેથી કરીને લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો.
લોકોએ જે વિસ્તાર માં વીજ પુરવઠો ચાલુ હતો તે વિસ્તાર માં પણ વીજપુરવઠો બંધ કરાવી દઈ વિરોધ દર્શાવ્યો હતો અને સાથે સાથે MGVCL હાય હાય ના નારા સાથે સૂત્રોચાર કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં બોડેલી સરપંચ કાર્તિકભાઈ શાહ પણ દોડી આવ્યા હતા અને પોતાના ગ્રામજનોની રજૂઆત અધિકારી સમક્ષ મૂકી હતી . બોડેલી, અલીપુરા, ઢોકલીયા, ચાચક વિસ્તારમાં થોડો જ વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કેટલીક વાર તો પહેલા વીજ પુરવઠો ખોરવાય છે પછી પવન અને વરસાદ આવે છે એવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. બોડેલી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયા થી વીજ પુરવઠો વારંવાર જતા રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
બોડેલી વિસ્તારમાં લોકોને લાઈટ વિના પીવાનું પાણી પણ ટાઈમ પ્રમાણે મળતું નથી ત્યારે બોડેલી સરપંચ કાર્તિક શાહે પણ એમ,જી,વી,સી, એલ કચેરી ખાતે આવી અને પોતાની રજૂઆતો મૂકી હતી. બોડેલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને લોકોને કંટ્રોલ કરવા માટેની કામગીરી કરી હતી