પ્રતિનિધિ બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા હોવાના બનાવો સામે આવ્યા છે જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાના બાળકોને ઘરની બહાર નીકળવા પણ દેતા નથી
પ્રાપ્ત માહિતી મુજબ, બોડેલીના અમન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવક ગઈકાલે બાઈક પર ઘરે જઈ રહ્યો હતો.
તે સમયે રખડતા શ્વાને તેના પર હુમલો કરી બચકું ભર્યું હતું. આ હુમલામાં યુવકને ઈજા પહોંચી હતી.આ ઉપરાંત, અન્ય બે થી ત્રણ વ્યક્તિઓ પર પણ શ્વાન દ્વારા હુમલા થયા હોવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ રખડતા શ્વાનોને પકડીને પાંજરે પૂરવા અને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.
કેમકે બોડેલી નગરમાં અનેક શાળાઓ આવેલ છે ત્યાં આસપાસના ગામડાઓમાંથી બાળકો ભણવા અર્થે પણ આવતા હોય છે અને આ રીતના માહોલ બનતા તે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવામાં આવે એવી આસપાસના ગામોના લોકોની પણ માંગ ઉઠી છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ, બોડેલી