આગનું કારણ હજુ સ્પષ્ટ નહિ, આગ બુઝાવવા છોટાઉદેપુરથી ફાયર બ્રિગેડ બોલાવાઈ
બોડેલીના અંબે વિંગ્સ હોન્ડા શો રૂમને આગ લાગતા 36 નવી મોટર સાઇકલો સહિત વિશાળ શો રૂમ આખો બળીને ખાક થઇ ગયો હતો. આગ વહેલી સવારે લાગી હતી. છોટાઉદેપુર અને બોડેલીના ફાયર ફાઈટર તેમજ ખાનગી દવાખાનાની ફાયર સર્વિસ વડે આગ કાબુમાં લેવાઇ હતી.જોકે, ભીષણ આગની લપકારા મારતી ગગનચુંબી જ્વાળાઓમાં તમામ ચીજ વસ્તુઓ ભસ્મીભૂત થઇ ગઇ હતી. આગને પગલે વહેલી સવારે ધુમાડાના કાળા ગોટા આસમાનમાં છવાઈ ગયા હતા.
બોડેલી છોટાઉદેપુર હાઇવે ટચ કોલેજ નજીક આવેલ આ શો રૂમમાં નવી બાઇકો મુકેલી હતી.વ્હેલી સવારે અગમ્ય કારણસર એકાએક શોરૂમમાં આગે દેખા દીધી હતી. ગણતરીની મિનિટોમાં સમગ્ર શોરૂમ આગની લપટોમાં આવી ગયો હતો. બોડેલી બજાર સમિતિના ફાયર ફાઈટરને તેડાવાતા તુરત ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી તે સાથે છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરતા સવારે સાત વાગે સ્થળ ઉપર પહોંચ્યો હતો. આગ બુઝાવવાની ઘનિષ્ઠ કામગીરી થતા પણ જવાનશીલ પદાર્થોને કારણે બે કાબુ આગ નિયંત્રિત થઈ શકી ન હતી. શોરૂમમાં મૂકેલી બાઈકો ફર્નિચર સહિત તમામ ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.
આગ બુઝાવવા સાત બમ્બા પાણી તેમજ હોસ્પિટલના સ્ટેટિક ફાયર સર્વિસના પાણીનો મારો ચલાવાયો હતો.
આગ બુઝાવવા બોડેલીના ફાયર ફાઈટર મારફતે ચાર બંબા પાણી અહીં છાંટવામાં આવ્યું હતું. જ્યારે છોટાઉદેપુરથી આવેલા ફાયર ફાઈટર દ્વારા બાર હજાર લિટરના એક એવા ત્રણ બંબા મારફતે વોટર કેનનનો મારો ચલાવાયો હતો. બાજુમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની ફાયર સર્વિસ માંથી પણ પાણી છંટકાવ કરાયું હતું. તેમ છતાં પણ બે કાબુ લપકારા મારતી આગની જવાળાઓમાં આખે આખો શોરૂમ બળીને ખાખ થઈ ગયો હતો.