બોડેલી | પ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને છોટાઉદેપુર રોડ (રાજ્ય માર્ગ નં. 56) પર આવેલા ઢોકલીયા રેલવે ફાટકની આસપાસ વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સક્રિય બન્યું છે. રેલવે ઓવરબ્રિજ (ROB)ના નિર્માણ પૂર્વે માર્ગની બન્ને બાજુ આવેલા દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા બોડેલીના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા દુકાનદારોને બે દિવસની નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વ. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો ટ્રાફિકમાં ફસાયા બાદ આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તંત્રની આંટીઘૂંટીના કારણે પ્રોજેક્ટ લાંબા સમય સુધી અટવાયો હતો. હવે ફરી એકવાર તંત્ર સક્રિય બનતા રૂ. 53 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે.
છોટાઉદેપુર–વડોદરા રાજ્ય માર્ગ પર આવેલો આ વ્યસ્ત રેલવે ફાટક દિવસ દરમિયાન અંદાજે 8થી 10 વખત બંધ થતો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે. પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકોને સમય તથા ઇંધણનો મોટો બગાડ સહન કરવો પડે છે. અનેક વખત એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ફરિયાદો સામે આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ, બોડેલી દ્વારા રેલવે ફાટકની આસપાસ આવેલી દુકાનોને બે દિવસની અંદર દબાણ દૂર કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ જાણ કરવામાં આવી છે.

આ રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ માટે તા. 01 મે 2025ના રોજ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં બોડેલી શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનવ્યવહાર સરળ બનશે.
રિપોર્ટર: ઝહીર સૈયદ, બોડેલી