Chhotaudepur

બોડેલીના એક ગાયનેકોલોજિસ્ટ તબીબ સાથે ઓનલાઇન ટ્રેડિંગ એપના નામે સાયબર માફિયાઓ દ્વારા બાર લાખ રૂપિયાની ઠગાઈ


છોટાઉદેપુર સાયબર સેલ પોલીસે રાજસ્થાનથી સાયબર ઠગ લોકેશ ખટીકને દબોચ્યો
****
ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો: પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા
****
ગુજરાતમાંથી ₹ 62 લાખ, છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર અને રાજસ્થાન દેશભરમાંથી ઓનલાઇન ટ્રેડિંગના નામે કરોડો એંઠયા


બોડેલીના એક ગાયનેકોલોજિસ્ટ તબીબ સાથે શેર ટ્રેડિંગના નામે ઓનલાઇન ઠગાઈ કરી કુલ ₹ 12,03,000 ની છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. છોટાઉદેપુરની સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં સામેલ રાજસ્થાનથી લોકેશ સોહનલાલ ઉ.વ.24 રહે.રથાજના (તા.નીંબાહેડા, જિલ્લો ચિત્તોડગઢ)ને ઝડપી પાડ્યો છે.પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ તપાસમાં ગુજરાતમાં રૂપિયા 62 લાખ જ્યારે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ઓનલાઇન ઠગાઈથી કરોડો રૂપિયા આ ઠગ મંડળીએ ઉસેટી લીધા છે.
ફેસબુક ઉપર આવેલી એડવર્ટાઇઝ પર ક્લિક કરતા વોટ્સએપ ગ્રુપમાં એડ થયેલ તબીબ સાથે મેસેજ મારફતે ઓનલાઇન ટ્રેડિંગ અંગેની તમન્ના ભાટિયા નામની મહિલાએ તેમની કંપની હોવાની ઓળખ આપી તા. 10 ડિસે. 2023 થી તા. 19 જાન્યુ. 2024 સુધીના સમય ગાળામાં લોભ લાલચ આપી ડોક્ટર પાસેથી ₹ 12 લાખ ઉપરાંતની રકમ તફડંચી કરી લીધી હતી.
ડિસે. 2023 થી જાન્યુ. 2024 ના લગભગ 40 દિવસના ગાળા દરમિયાન આ સાયબર ક્રાઇમ થકી છેતરપિંડી કરાઈ હતી. બોડેલીના એક નામાંકિત તબીબ સાથે મસ મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ જતા લોકોમાં તેની ચર્ચાઓ પણ છેડાઈ છે. તા.18 જૂન 2024 ના રોજ છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસે ફરીયાદ નોધી આઈપીસી 419, 420, 120 (બી), આઈ ટી એક્ટ 2000 ની કલમ 66 (સી),67 (ડી) મુજબ અજાણ્યા છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાવાના ગણતરીના દિવસોમાં જ છોટાઉદેપુર સાયબર પોલીસે રાજસ્થાનથી આ કૌભાંડમાં સામેલ એક વ્યક્તિને દબોચી લઇ છોટાઉદેપુર એસ.પી.કચેરીએ લઈ આવી છે.
ફરિયાદની હકીકત પ્રમાણે, છેલ્લા એક વર્ષથી બોડેલીના એ તબીબ શેર માર્કેટમાં રોકાણ કરવા મોબાઈલથી ટ્રેડિંગ ચાલુ કર્યું હતું. જેમાં ઝવેરી એન્જલ બ્રોકિંગમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું. અંદાજે તા.17 ડિસે. 2023 પહેલા ફેસબુક માધ્યમથી ઓનલાઇન ટ્રેડિંગ માટે પેન્થોન વેન્ચર નામની એક કંપનીની જાહેરાત જોઈ તે લિંક પર ડોક્ટરે ક્લિક કરતા જ તે કંપનીના વોટ્સએપ ગ્રુપમાં ઓટોમેટિક એડ થઈ ગયા હતા. જે ગ્રુપમાં ડોક્ટરનો સંપર્ક કોઈક તમન્ના ભાટિયા નામની અજાણી મહિલા સાથે થયો હતો. આ વ્યક્તિએ પોતાની ઓળખ પેન્થોન વેન્ચર કંપનીની આસિસ્ટન્ટ ઓફ આદિત્ય પટેલ હીડ ઓફ ઇન્ડિયા માર્કેટ એન્ડ પેન્થોન વેન્ચર U.K.(L.L.P.) તરીકે આપ્યો હતો. તેણી સાથે વોટ્સએપ પર મેસેજથી વાત કરતા ઓનલાઇન શેર માર્કેટ ટ્રેડિંગની સમજ આપી અને ડોક્ટરને ઓનલાઇન ટ્રેડના નામે ઝાંસામાં લીધા હતા.


ગજબ છેતરપીંડી! ટ્રેડિંગ એપ કે લૂંટનો ઓનલાઈન કૂવો?


આદિત્ય પટેલના વોટ્સએપ ગ્રુપમા રેગ્યુલર માર્કેટીંગના લેક્ચર માટે ડોક્ટરને તમન્ના ભાટીયાએ એડ કર્યા હતા.તા.17 ડિસે.2023 થી લેક્ચર દરમ્યાન ફરિ. ને S.F. Management મા રોકાણ કરવા માટે એક લિન્ક મોકલી આપી હતી. તેને ક્લિક કરતા મોબાઇલ ફોન પર એક PT-VC નામે એક એપ્લિકેશન ડાઉનલોડ થઇ હતી. જેમા ડોક્ટરે ટ્રેડીંગ માટે એકાઉન્ટ બનાવ્યુ હતું. ત્યારબાદ તેઓએ ફરિ.ના ટ્રેડીંગ એકાઉન્ટમાં વ્યાજ વગરનુ ફ્રી ફંડ કુલ રકમ રૂ.30,000/- જમા કરાવી અને એક અઠવાડીયા માટે શેર-બજાર ટ્રેડ કરવાની ઇવેન્ટ તા.20/12/2023 થી ચાલુ કરી હતી. આ ઇવેન્ટ દરમ્યાન દિવસે સ્ટોક પસંદગી કરી સ્ટોક લેવાનુ અને બીજા દિવસે સવારે કલાક 09/30 વાગ્યે સ્ટોક વેચવાનુ તેમણે જણાવેલું.દરમ્યાન ટ્રેડીંગ એકાઉન્ટના જણાવેલ ફંડ પર ડોક્ટરને આશરે 15% જેટલુ રિટર્ન
મળ્યું હતું. પરંતુ એક અઠવાડીયા બાદ કંપનીએ આપેલ વ્યાજ વગરનુ ફ્રી ફંડ કુલ રૂ.30,000/- ડોકટરના ટ્રેડીંગ એકાઉન્ટ પરથી કાપી લીધેલ અને આશરે 15% ફંડ એકાઉન્ટમા જમા હતું. જે ફંડ વિથ ડ્રો કરવા માટે જણાવતા તેઓએ ફરિ.ને એક લીન્ક મોકલી આપેલ. જેમા બેંકનુ એકાઉન્ટ લીન્ક કરવા જણાવ્યું હતું. જેથી સદર લીન્ક પર ક્લીક કરી તેમા બેંક એકાઉન્ટ નંબર તથા આધારકાર્ડ લિન્ક કરાવ્યા બાદ ફરિ.એ ફંડની રકમ તેમના બેંક ખાતામાં વિથ ડ્રો લેવા માટે તમન્ના ભાટીયાએ 12345 પાસવર્ડ કી આપી હતી.

ડોક્ટરને વિશ્વાસમાં લેવા ઠગ મંડળીએ ટ્રેડિંગ એપથી ₹ 7000 ઉપાડવા દીધા, પછી ₹10 લાખનો બુચ માર્યો

છેતરાયેલા ડોક્ટરે ટ્રેડિંગ એપની લીંક પરથી પ્રથમ ₹ 5000 ત્યારબાદ ₹ 2000 આમ ₹ 7000 વીથ ડ્રો કર્યા હતા. જેથી તેઓને આ ટ્રેડિંગ સાચું હોવાનો વિશ્વાસ બેસી ગયો હતો. તેઓએ ₹ 40,000 શેર ટ્રેડિંગ માટે ત્યારબાદ I.P.O. માં ઇન્વેસ્ટ કરવા જણાવતા વધુ ₹ 50,000 જમા કરાવ્યા હતા.તે પછી MAXPOSER LIMITED IPO મા 25 લોટનુ રોકાણ કરતા તેમનેને રૂ.33/- ના ભાવના 10 લોટ લાગેલ. જે એક લોટમા 4000/- શેર લેખે કુલ રકમ રૂ.13,02,000/- થયેલ. પરંતુ તેમના એકાઉન્ટમા પહેલાથી રૂ.99,000/- અગાઉના જમા હોય જેથી તેઓએ કુલ રકમ રૂ.12,03,000/- ભરવાનું જણાવેલ. તા.19/01/2024 ના રોજ તેઓએ આપેલ એકાઉન્ટ નંબર પર IMPS મારફતે આ રકમ જમા કરાવી હતી.


તમન્ના ભાટિયા નામનું કોઈ છે જ નથી, તે નામે પ્રિયા રાવત એકાઉન્ટ ઓપરેટ કરતી હતી

પોલીસને હાથે ઝડપાયેલા લોકેશ સોહનલાલ ખટીકની પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે ચોકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તમન્ના ભાટિયા નામની કોઈ મહિલા કે યુવતી છે જ નથી. તેના બનાવટી નામે પ્રિયા રાવત ઓનલાઇન એકાઉન્ટ હેન્ડલ કરતી હતી. તમન્ના ભાટિયા એ ઓનલાઇન દર્શાવતું નામ છે.

છોટાઉદેપુર સાયબર સેલની પોલીસ રાજસ્થાન 475 દૂરથી આરોપીને દબોચી લાવી

છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસના પી.આઈ.વી.એમ.કામળીયા, રાઇટર નવીન ડામોર સહિત ટીમે સાયબર માફિયાઓને ઝબ્બે કરવા ગણતરીના દિવસોમાંજ છોટાઉદેપુરથી 475 km દૂર ચિત્તોડગઢના નીંબાહેડાથી આરોપીને ઝડપી ઓનલાઇન ઠગાઈ કરનાર ગેંગનો પરદાફાસ કર્યો છે.છોટાઉદેપુર એસ.પી.ઇમ્તિયાઝ શેખે સાયબર સેલની ટીમની પ્રશંસા કરી કેસનું બ્રિફિંગ કર્યું હતું.

ઝડપાયેલા આરોપી લોકેશ ખટીકની શું ભૂમિકા છે?

તમન્ના ભાટિયા જે ઓનલાઇન બોગસ નામ છે જેના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે બીજું કોઈ નહિ પણ પ્રિયા રાવત નામની એક યુવતી છે. પેન્થોન વેન્ચર નામની કંપની માટે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા તથા બીજા હેતુઓ પાર પાડવા મોબાઈલ સીમકાર્ડ પ્રિયા રાવત ના નામનું ચાલે છે. પ્રિયા રાવત લોકોના ઓનલાઈન એકાઉન્ટ બનાવતી હતી તેણી જે એકાઉન્ટ બનાવતી તેને ઓપરેટ કરવા લોકેશ ખટીકને સોંપતી હતી.

દેશભરમાં ટ્રેડિંગ એપના નામે આ ઓનલાઈન ઠગાઇ કેસમાં કુલ છ મુખ્ય વ્યક્તિઓ સામેલ છે

ઓનલાઇન ટ્રેડિંગ એપ ના નામે બિલાડીના ટોપની જેમ સાયબર સ્પેસ પર ફૂટી નીકળેલી એપ્લિકેશનો દ્વારા ઓનલાઇન ઠગાઈના અસંખ્ય બનાવો બની રહ્યા છે. હાલમાં લોકેશ સોહનલાલ ખટીક અને પ્રિયા રાવતના નામો સામે આવ્યા છે. પોલીસે સાયબલ ફ્રોડ કરનારી આખી ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

છોટાઉદેપુર સાયબર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં કયા કારણો રજૂ કર્યા?

ઓનલાઇન ઠગાઈના આ કેસમાં ₹ 12,03,000 રિકવર કરવાના થાય છે. આ કેસમાં પ્રિયા રાવત સહિત અન્ય પાંચ થી છ તેમના સાગરીતો પણ સામેલ છે જે અંગેની તપાસ કરી તમામની ધરપકડ કરવાની બાકી છે. રાજસ્થાનમાં જ્યાં ઓફિસ બનાવી કે અન્ય સ્થળ ઉપર આરોપીઓ દ્વારા ભેગા મળી ઠગાઈ કરવામાં આવતી હતી તે સ્થળની તપાસ, ઠગાઈના આ ગુનામાં ડોક્યુમેન્ટસ બનાવવામાં આવ્યા હોય તો તેની તપાસ કરવાની થાય છે.

Most Popular

To Top