આશરે 5200થી વધુની વસતી ધરાવતું આ ગામ તેની અતૂટ સામાજિક એકતા માટે જાણીતું, ગામમાં વિધવા પેન્શન અને શૌચાલયનો 100 ટકા લાભ મળે છે

અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલું સજોદ ગામ આજે પ્રગતિશીલ ગામ તરીકે આગવું સ્થાન ધરાવે છે. આશરે 5200થી વધુની વસતી ધરાવતું આ ગામ તેની અતૂટ સામાજિક એકતા માટે જાણીતું બન્યું છે, જ્યાં તમામ જ્ઞાતિના લોકો સહિયારા પ્રયાસોથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. સજોદ ગામમાં આશરે 57 જેટલાં ફળિયાં અને સોસાયટીઓ આવેલી છે, જે ગામની વ્યવસ્થિત આવાસ વ્યવસ્થા અને સંગઠિત માળખું દર્શાવે છે. ગામમાં 100 ટકા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે અને અંદાજે 225 જેટલી વિધવા બહેનોને નિયમિત પેન્શનનો લાભ મળી રહ્યો છે. વધુમાં, ગામમાં પાઈપ લાઈન દ્વારા ગેસ કનેક્શન પણ આપવામાં આવ્યું છે. આ ગામને તેની સ્વચ્છતા અને શ્રેષ્ઠ વહીવટી વ્યવસ્થા માટે ‘નિર્મળ ગ્રામ પંચાયત’નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

સજોદ ગામનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ જણાય છે, કારણ કે આ ગામ પાસેથી સુપર એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન અને નિર્માણાધીન ભાડભૂત બેરેજ યોજના જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પસાર થઈ રહ્યા છે. આ વિકાસની ધરોહરો ગામને આધુનિકતા અને વૈશ્વિક કનેક્ટિવિટી સાથે જોડશે. સજોદ ગામના નામ પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. ગામના વરિષ્ઠ કથાકાર અને 83 વર્ષની વયે પણ સ્વસ્થ એવા મનહરભાઈ નરશીભાઈ લિંબચિયા જણાવે છે કે, અહીં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર અત્યંત પ્રાચીન છે. એવી લોકવાયકા છે કે ‘સિદ્ધનાથ’ શબ્દનો અપભ્રંશ થતા કાળક્રમે ગામનું નામ ‘સજોદ’ પડ્યું હતું. મનહરભાઈ ગામની સામાજિક વિશેષતા અંગે વધુમાં કહે છે કે, ગામના વડીલોએ સ્થાપિત કરેલા ‘વંડા’ (સામાજિક નિયમો અને રીત-રિવાજો)ને કારણે આજે પણ અહીં 18 વર્ણના લોકો ખૂબ જ પ્રેમ અને સંપથી વસે છે. આ ગામની સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, અહીં સમૃદ્ધ ગણાતો પારસી પરિવાર પણ દૂધમાં સાકરની જેમ સમાજના તમામ વર્ગો સાથે હળીમળીને રહે છે.
ગામનું આસ્થાનું કેન્દ્ર: શ્રમદાનથી બનેલું શ્રી રણછોડરાય મંદિર

ઐતિહાસિક સજોદ ગામના વોર્ડ નં.10માં આવેલું શ્રી રણછોડરાય મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ગ્રામજનોની એકતા, સમર્પણ અને સામુદાયિક શક્તિનું એક જીવંત ઉદાહરણ છે.
આશરે 100 વર્ષ જૂનું આ મંદિર એક સમયે અત્યંત જર્જરિત હાલતમાં હતું. પરંતુ, શ્રદ્ધાના દીવાને પ્રજ્વલિત રાખવા માટે વર્ષ 2001માં ફળિયાના ઉત્સાહી યુવાનો આગળ આવ્યા. દલસુખભાઈ કટારિયાના પ્રમુખ પદે ‘શ્રી રણછોડરાય મંદિર જીર્ણોદ્ધાર સમિતિ’ની રચના કરવામાં આવી. આ સમિતિમાં દિલીપભાઈ મકવાણા, ધનસુખભાઈ કટારિયા, જયંતીભાઈ મકવાણા અને સ્વર્ગીય નર્મદાશંકર શર્મા જેવા નિષ્ઠાવાન સભ્યોએ રાત-દિવસ પરિશ્રમ કરીને કાર્ય કર્યું હતું. હાલમાં પણ દલસુખભાઈ કટારિયા અને દિલીપભાઈ મકવાણા પોતાના વોર્ડ નંબર 10 તથા સમગ્ર ગામમાં સેવાકાર્યમાં સક્રિય છે.
મંદિર નિર્માણ માટેની સૌથી મૂળભૂત જરૂરિયાત એવી જમીન, સ્વતંત્રતા સેનાની સ્વર્ગીય ડાહ્યાભાઈ મોતીરામ મકવાણાએ ઉદાર હસ્તે દાનમાં આપી હતી. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેનું સંપૂર્ણ નિર્માણ કોઈ મોટા કોન્ટ્રાક્ટર દ્વારા નહીં, પરંતુ મહોલ્લાના રહીશોના શ્રમદાન દ્વારા પૂર્ણ થયું હતું. તા.29મી જાન્યુઆરી-2001 ને સોમવાર અને વસંત પંચમીના શુભ દિવસે ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિની વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે ગૌભક્ત છોટે મોરારીબાપુની રામકથાના સપ્તાહનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. આ જ પરંપરાને આગળ વધારતા, તાજેતરમાં 29મી જાન્યુઆરીએ મંદિરનો 26મો પાટોત્સવ અને મહોલ્લાનું નામકરણ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
વાળીનાથ દાદાનું અનોખું મહત્ત્વ: ચૈત્ર માસના અંતિમ રવિવારે ભક્તોની ભારે ભીડ

સજોદ ગામે આવેલા વાળીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસના અંતિમ રવિવારે ભક્તોની અપાર શ્રદ્ધા જોવા મળે છે. બળિયા બાપજીના મુખ્ય પાંચ મંદિરોમાંના એક એવા આ પવિત્ર સ્થળે વહેલી સવારથી જ ભક્તોના દર્શનાર્થે લાંબી કતારો જોવા મળી હતી. અહીંની સૌથી અનોખી પરંપરા છે. લોકવાયકા અને પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારતના ભીષણ યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રથી બબરીક (ખાટુશ્યામજી)ના શરીરના પાંચ ટુકડા થઈ ગયા હતા, જે પાંચ જુદાં-જુદાં સ્થળોએ પડ્યાં હતાં. ભગવાન કૃષ્ણના વરદાનથી તેઓ અમરત્વને પામ્યા અને તેમનું મસ્તક સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં રહ્યું, જ્યાં તેઓ બળિયા બાપજી તરીકે પૂજાય છે. બળિયા દેવ મહારાજને ચર્મરોગ દૂર કરનારા દેવ તરીકે પણ માન્યતા પ્રાપ્ત છે. તેમનાં પડેલાં અંગોનાં સ્થળોએ આવેલાં દેવસ્થાનોમાં સજોદના વાળીનાથ દાદા ઉપરાંત સુરતનું શ્યાદલા અને વડોદરાનું પોર ખાતેનું મંદિર મુખ્ય છે. ચૈત્ર માસમાં આવતા રવિવાર, મંગળવાર અને ગુરુવારનું અહીં વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર માસના અંતિમ દિવસોમાં તો મંદિર ભક્તિમય બની જાય છે. દૂર દૂરથી આવતા ભક્તો દાદાના દર્શન કરીને ટાઢું ભોજન આરોગે છે, ભક્તોની સગવડ માટે સજોદના નીલકંઠ યુવક મંડળ દ્વારા પ્રસાદીરૂપે છાશનું વિતરણ પણ કરવામાં આવે પહેલાં આ મંદિર જર્જરિત અવસ્થામાં હતું, પરંતુ સ્થાનિક લોકો અને ભક્તોના સહિયારા સહયોગથી તેનો સમારકામ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
નવું નામ, નવી ઓળખ: ‘ડો.આંબેડકરનગર’
સજોદ ગામે વોર્ડ નં.10નું નામ બદલીને ‘ડો.આંબેડકરનગર’ રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પરિવર્તન આજથી 26 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું. આ વોર્ડમાં અનુસૂચિત જાતિના 80થી વધુ પરિવાર વસવાટ કરે છે. ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની યાદમાં આ વિસ્તારને હવે ‘ડો.આંબેડકર નગર સાથે ડો.આંબેડકરનગર પ્રવેશદ્વાર પણ લોકાર્પણ કરાયું હતું. આ સમગ્ર વિકાસયાત્રામાં સ્વ. જયશંકરભાઈ પરમાર અને સ્વ.ગોપાલભાઈ કટારિયાએ માર્ગદર્શક તરીકે અમૂલ્ય સેવાઓ આપી હતી. તેમની એકતા અને સહકારે સાબિત કરી આપ્યું કે, જ્યાં સંપ છે ત્યાં જ સાક્ષાત્ ભગવાનનો વાસ છે. આ પ્રવેશદ્વાર તેમની એકતા, પરિશ્રમ અને સામુહિક શક્તિનું પ્રતીક બનીને યુગો સુધી પ્રેરણા આપતું રહેશે.
સામાજિક સેવાના યોદ્ધા વિજયસિંહ વાઘેલા
સમાજસેવા એ કોઈ પદવી કે પદનો મોહ નથી, પણ તેને જીવનધર્મ બનાવનારા લોકો જ સાચા અર્થમાં સમાજના પ્રતિનિધિ બને છે. આવા જ એક નિ:સ્વાર્થ સેવક છે સજોદ ગામના વતની અને AGRYS (અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) પ્રદેશના સહ પ્રભારી વિજયસિંહ ચંદ્રસિંહ વાઘેલા. એપ્કોટેક્સ કંપનીમાં પોતાની ફરજ બજાવતા 59 વર્ષીય વિજયસિંહ માટે સામાજિક કાર્ય એ શ્વાસની જેમ અનિવાર્ય બની ગયું છે. છેલ્લાં 35 વર્ષોથી તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં ડૂબેલા છે. તેમના આ સેવાયજ્ઞમાં માર્ગદર્શક બન્યા ભરૂચના જાણીતા વકીલ મયુરસિંહ પુનાડા, જેમણે તેમની આંગળી પકડીને સમાજસેવાના માર્ગે આગળ ધપાવ્યા.
રાજપૂત સમાજ હોય કે અન્ય કોઈપણ વર્ગ, જ્યારે પણ કોઈ સમસ્યા કાને સંભળાય ત્યારે તેઓ નિરાકરણ માટે મંડી પડે છે. સમાજજીવનમાં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોય, ગામેગામ ફોર્મ ભરવાની મહેનત હોય, કે પછી નિકોરા ગામે યોજાયેલો ‘દીકરીબા સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ કાર્યક્રમ હોય, દરેક પ્રસંગે તેમનો સક્રિય સહભાગ રહ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કાર્યકર્તા શિબિર અને ભરૂચ ખાતે યોજાયેલા વિધવા સંમેલનમાં પણ તેમણે કડીરૂપ કામગીરી કરીને પોતાની અનોખી છાપ ઊભી કરી છે. વિજયસિંહ વાઘેલાનું માનવું છે કે, જો કોઈપણ વ્યક્તિની સમસ્યા મારા ધ્યાનમાં આવે છે, તો હું તેના નિવારણ માટે હંમેશાં તત્પર રહું છું.
સજોદ ગ્રામ પંચાયતમાં આદિવાસી દંપતીનો અનોખો પ્રયોગ: ગામના વિકાસમાં નવો અધ્યાય

પોતાનું ગામ રૂડું અને રૂપાળું હોય એવી ભાવના દરેક ગ્રામજનના હૃદયમાં હોય છે. આ ભાવનાને સાકાર કરવા સજોદ ગ્રામ પંચાયતમાં એક આદિવાસી દંપતીએ અનોખી પહેલ કરી છે. જુલાઈ-2025માં સજોદ ગ્રામ પંચાયતના સરપંચ પદે 32 વર્ષના દર્શનાબેન નીલેશભાઈ વસાવા આરૂઢ થયા. ગ્રામ પંચાયતની મહિલા સીટ હોવાથી તેઓ પ્રથમવાર આ પદે ચુંટાઈ આવ્યાં. સરપંચ બન્યાના માત્ર 6 મહિનામાં જ તેમણે ગામમાં વિકાસના કામો શરૂ કરી દીધાં છે. તેમના નેતૃત્વ હેઠળ ગામમાં RCC રોડ, ગટર લાઈન અને પેવર બ્લોક સહિતના રૂ.30 લાખના વિકાસ કાર્યો પૂર્ણ કરાયા છે. હજુ સાડા ચાર વર્ષનો કાર્યકાળ બાકી હોય, તેમણે ભવિષ્યની યોજનાઓ પણ નક્કી કરી લીધી છે. ગામના તળાવમાં પ્રોટેક્શન વોલ બાંધવા અને CCTV કેમેરા લગાવવા માટે તેઓ તત્પર છે. મહિલા સરપંચ દર્શનાબેન વસાવા કહે છે, સજોદ ગામમાં માળખાગત સુવિધા ઊભી કરવામાં અમે અગ્રેસર રહીશું. આ ગ્રામ પંચાયતની વિશેષતા એ છે કે, સરપંચના પતિ 35 વર્ષીય નીલેશભાઈ ઉર્ફે અતુલભાઈ રમણભાઈ વસાવા પણ સભ્ય તરીકે ચુંટાયા છે. તેમનો સ્વભાવ ગામના સુખ-દુઃખમાં હંમેશાં સાથે રહેવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમનાં માતા પણ અગાઉ ગ્રામ પંચાયતનાં સભ્ય હતાં. નીલેશભાઈ વસાવા જણાવે છે, પોતાનું ગામ સુવિધામાં મોખરે હોય એવું અમે માનીએ છીએ. અમે સજોદ ગ્રામજનોના હિતમાં તમામ સુવિધા મળે તેવું આયોજન કરીએ છીએ.
નર્મદાના ખોળે સેવાની ધૂણી: સજોદ ગામમાં રાજેન્દ્રસિંહ ચૌહાણનો પ્રેમભર્યો આશ્રમ
સજોદમાં કોઈપણ યાત્રીના મુખેથી નર્મદે હરનો નાદ સાંભળતા જ સજોદ ગામના આંગણે એક વરિષ્ઠ નાગરિકનો હૃદયપૂર્વકનો આવકાર મળે છે. આ આવકાર છે, રાજેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણનો, જેમણે આજીવન ખેતી કરી, સંતાનોને સુશિક્ષિત કર્યા અને હવે પાનખર વયે નર્મદા પરિક્રમાવાસીઓની સેવાને જ જીવનનો ધર્મ બનાવ્યો છે. મૂળ વ્યવસાયે ખેડૂત રહી ચૂકેલા રાજેન્દ્રસિંહે પોતાના પુત્રોને સ્વાવલંબી બનાવ્યા બાદ હવે પોતાની જિંદગી નર્મદા સેવામાં સમર્પિત કરી દીધી છે. તેમણે પત્ની રંજનબા સાથે પગપાળા સહિત વાહનથી નવ વખત નર્મદા પરિક્રમા કરી છે. નર્મદા નદીના પવિત્ર તટ પર વસેલા સજોદ ગામે આવેલા તેમના આશ્રમમાં આજે ધૂણી ધખાવીને તેઓ બેઠા છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં હજારો પરિક્રમાવાસીઓને ચા-નાસ્તો અને ભોજન કરાવવામાં આવ્યું છે. આ ક્રમ આજે પણ યથાવત છે; રોજના 5થી 10 પરિક્રમાવાસીઓ તેમના આશ્રમમાં આવે છે અને પ્રેમભર્યો આતિથ્ય મેળવે છે. વર્ષ-2017માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ અને તેમનાં પત્ની અમૃતારોય પણ જ્યારે નર્મદા પરિક્રમા પર આવ્યાં ત્યારે તેઓ સજોદમાં રાજેન્દ્રસિંહના આશ્રમમાં રોકાયાં હતાં. રાજેન્દ્રસિંહ ચૌહાણ કહે છે, અમે પોતે પરિક્રમા કરી છે, તેથી અમે જાણીએ છીએ કે રસ્તામાં શું જરૂર પડે છે. અમારા આંગણે આવતા દરેક યાત્રીમાં અમને નર્મદા માતાનો જ અંશ દેખાય છે. તેમની સેવા કરીને જે આનંદ મળે છે, તેની સામે દુન્યવી સુખો તુચ્છ લાગે છે.
દાંડીયાત્રા: સજોદ ગામની ઐતિહાસિક ભૂમિકા અને અમૃતમય વારસો
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં દાંડી યાત્રા એક સુવર્ણ અધ્યાય છે. 12 માર્ચ, 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ પદયાત્રાએ માત્ર મીઠાના કાયદાનો ભંગ જ નહીં, પરંતુ અંગ્રેજોની સામ્રાજ્યવાદી સત્તા સામે અહિંસક વિદ્રોહનો અડીખમ સંદેશો પણ પ્રસારિત કર્યો હતો. આ યાત્રાએ ગુજરાતના કણે-કણને જાગૃત કર્યું હતું અને તેમાં સજોદ ગામનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. મહાત્મા ગાંધીજીએ તત્કાલીન વાઈસરોય લોર્ડ ઈરવીનને પત્ર લખીને 11 માંગણીઓ રજૂ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો આ માંગણીઓ નહીં માનવામાં આવે તો સવિનય કાનૂનભંગના ભાગરૂપે મીઠા સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવશે. લોર્ડ ઈરવીને આ પત્રને અવગણતા, ગાંધીજીએ આંદોલનનો નિર્ણય કર્યો. શરૂઆતમાં ખેડા જિલ્લાના બદલપુર ખાતે મીઠું બનાવવાનું વિચારાયું હતું, પરંતુ સુરતના વરિષ્ઠ કાર્યકર્તા કલ્યાણજી મહેતા (ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર)એ સૂચન કર્યું કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના દૂરના ગામ સુધી યાત્રા લંબાવવામાં આવે, જેથી વધુ ને વધુ લોકો સુધી સંદેશો પહોંચે. આ સૂચન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પસંદ આવ્યું અને અંતે જલાલપોર તાલુકાના દાંડી ગામની પસંદગી કરવામાં આવી. તા.24 માર્ચ, 1930ના રોજ સાબરમતીથી શરૂ થયેલી આ ‘બાપુ એક્સપ્રેસ’ 28 માર્ચના રોજ, 17મા દિવસે સજોદની પવિત્ર ધરા પર પહોંચી હતી. ગામના લોકો માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ હતી. ગામના જાણીતા ‘દેવકા તળાવ’ના કિનારે સત્યાગ્રહીઓનો પડાવ નાખવામાં આવ્યો હતો. આ તળાવની બાજુમાં આવેલી પ્રાચીન મીઠા પાણીની વાવ એ સમયની જીવનદોરી હતી, જેમાંથી બાપુ અને સાથીઓએ પોતાની તરસ છીપાવી હતી. સજોદ ગામમાં આવેલા એક વિશાળ વડના વૃક્ષ નીચે ગાંધીજીએ એક મહત્ત્વપૂર્ણ સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે અંગ્રેજોના મીઠાના કાયદાની અન્યાયીતા સમજાવી અને ગ્રામજનોને કાનૂનભંગની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.
સાંજના સમયે દેવકા તળાવની પાળ પર પ્રાર્થના સભાનું આયોજન થયું, જ્યાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘વૈષ્ણવ જન’ના ભજનોથી આખું વાતાવરણ ભક્તિમય અને ક્રાંતિમય બની ગયું હતું. ગામના અગ્રણી દલસુખભાઈ કટારિયા જણાવે છે કે આ ઘટના સજોદના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ છે. આજે પણ સજોદ ગામમાં તે ઐતિહાસિક વડનું વૃક્ષ ગૌરવભેર ઊભું છે, જે આઝાદીની લડતની સ્મૃતિને સજીવ રાખે છે. દેવકા તળાવ અને તેની બાજુની વાવની દીવાલ પર લાગેલી તકતી આજે પણ વટેમાર્ગુઓને યાદ અપાવે છે કે અહીં મહાત્મા ગાંધીએ પગલાં માંડ્યાં હતાં. જો કે, આ વાવ આજે જર્જરિત અવસ્થામાં છે, પરંતુ સજોદના જાગૃત ગ્રામજનો અને યુવાનો આ અમૂલ્ય વારસાના નવસર્જન માટે કટિબદ્ધ છે. વર્ષ-2021માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલી પુનઃ દાંડીયાત્રા દરમિયાન કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને સજોદની મુલાકાત લઈ આ ધરાની ઐતિહાસિકતાને વંદન કર્યાં હતાં. સજોદ માત્ર એક ગામ નથી, પરંતુ આઝાદીના ઈતિહાસનું એક જીવતું-જાગતું સ્મારક છે. દેવકા તળાવના મોજાં આજે પણ જાણે બાપુના તે અહિંસક ક્રાંતિના સંદેશાને ગણગણી રહ્યા છે. આ ધરતીનો દરેક કણ બાપુના ચરણસ્પર્શથી પાવન થયો છે, અને તેના જીર્ણોદ્ધારના પ્રયાસો સાચા અર્થમાં રાષ્ટ્રપિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે.

નર્મદા તટે સિદ્ધતીર્થ: સજોદનું પૌરાણિક સિદ્ધરુદ્ર (સિદ્ધનાથ) મહાદેવ મંદિર
નર્મદા નદીના પવિત્ર તટ પર વસેલું સજોદ ગામ આસ્થાનું એક અનોખું કેન્દ્ર છે. અહીં આવેલું પૌરાણિક સિદ્ધરુદ્ર (સિદ્ધનાથ) મહાદેવ મંદિર માત્ર સજોદ જ નહીં, પરંતુ આસપાસનાં ૧૧ ગામના શિવભક્તો માટે અતૂટ શ્રદ્ધા અને અદભૂત મહાત્મ્ય ધરાવે છે. નર્મદા કિનારે આવેલાં હજારો શિવાલયો પૈકીનું આ એક એવું વિશેષ સ્થાન છે, જેનો ઇતિહાસ અને માન્યતાઓ પુરાણકાળ સાથે જોડાયેલી છે. વાયુ પુરાણના રેવાખંડ (અધ્યાય ૧૬૮)માં વર્ણવ્યા અનુસાર, આ સ્થળનું મહાત્મ્ય સાક્ષાત્ ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે ભગવાન શિવ દ્વારા બ્રહ્માજીનું મસ્તક છેદન થયું, ત્યારે તેમના પર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શંકર સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. અંતે, આ પવિત્ર ભૂમિ પર હજારો દેવો, ગાંધર્વો અને સિદ્ધોની ઉપસ્થિતિમાં ભગવાન શિવે એક કુંડની સ્થાપના કરી અને તેમાં નર્મદાજીનું પવિત્ર જળ ભરી સ્નાન કર્યું હતું. એવી માન્યતા છે કે આ જ સ્થળે સ્નાન કરીને ભગવાન શિવ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા. ત્યારબાદ શિવજીએ અહીં ‘ધૂર્જટી’ સ્વરૂપની સ્થાપના કરી અને દેવતાઓ તથા તીર્થને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા હતા.
ભગવાન શિવ દ્વારા સ્થાપિત આ કુંડ આજે ‘રુદ્રકુંડ’ તરીકે ઓળખાય છે, જેમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. લોકવાયકા મુજબ, આ કુંડના જળમાં સ્નાન કરવાથી મનુષ્ય ચર્મરોગોથી મુક્તિ મેળવે છે. જે કોઈ ભક્ત રુદ્રકુંડમાં સ્નાન કરી સ્વયંભૂ સિદ્ધરુદ્ર મહાદેવની પૂજા કરે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે. મંદિર પરિસરમાં અન્ય એક ‘નીલકુંડ’ પણ આવેલો છે, જેની વિશેષતા એ છે કે તેની સપાટી પર નજર કરીએ તો પાણી લીલા રંગનું દેખાય છે, પરંતુ હાથમાં લેતા જ તે એકદમ શુદ્ધ અને પારદર્શક જોવા મળે છે. આ મંદિરના ઇતિહાસમાં આક્રમણકારોના હુમલાની ઘટનાઓ પણ વણાયેલી છે. કહેવાય છે કે જ્યારે મહમૂદ ગઝનીની સેનાએ આ મંદિર લૂંટવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક ઝેરી ભમરાઓનું ટોળું પ્રગટ્યું હતું, જેના કારણે ગઝનીના સૈનિકોને ભાગવાની ફરજ પડી હતી. જો કે, ગઝનીએ પોતાની તલવાર વડે શિવલિંગ અને નંદી પર જે પ્રહાર કર્યા હતા, તેના નિશાન આજે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે આ તીર્થધામના ગૌરવશાળી છતાં સંઘર્ષમય ઇતિહાસની યાદ અપાવે છે. મહાશિવરાત્રિ અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખું મંદિર પરિસર ભક્તિમય રંગે રંગાઈ જાય છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આમ, સજોદનું સિદ્ધરુદ્ર મહાદેવ મંદિર એ ઇતિહાસ, પુરાણ, ચમત્કાર અને જનશ્રદ્ધાનો એક પવિત્ર સંગમ છે.