Business

બીસીએ ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ , મતદાન થશે, પરંતુ પરિણામ જાહેર કરવા કોર્ટે રોક લગાવી

વડોદરા:
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણીને લઈને દાખલ થયેલી ખાસ સિવિલ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ આદેશ આપ્યો છે. અંતરિમ રાહત તરીકે કોર્ટે આદેશ આપ્યો છે કે 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મતદાન પ્રક્રિયા થશે, પરંતુ મતગણતરી અને પરિણામ જાહેર કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે BCA એક જાહેર કાર્ય કરતી સંસ્થા હોવાથી તેના સામે બંધારણની કલમ 226 હેઠળ રિટ અરજી ચાલે છે અને તે ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.
અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે BCAના કેટલાક ઉમેદવારો સુપ્રીમ કોર્ટના 14 સપ્ટેમ્બર 2022ના ચુકાદા મુજબ 9 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા હોવાથી ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આ મુદ્દે ચૂંટણી અધિકારીએ રજૂ થયેલા વાંધાઓ પર કોઈ નિર્ણય કર્યા વિના અંતિમ ઉમેદવાર યાદી જાહેર કરી દીધી હતી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ભંગ સમાન હોવાનું કોર્ટે નોંધ્યું.
હાઇકોર્ટે કહ્યું કે BCCI સામે જેમ રિટ ચાલે છે, તેમ જ તેના સભ્ય રાજ્ય ક્રિકેટ સંગઠનો પણ જાહેર કાર્યો કરતા હોવાથી રિટ અધિકારક્ષેત્રમાં આવે છે. માત્ર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સુધારો કરવો પૂરતું નથી, પરંતુ તેનો અસરકારક અમલ પણ જરૂરી છે, એવું કોર્ટે સ્પષ્ટ કર્યું.
અંતરિમ રાહત તરીકે કોર્ટે આદેશ આપ્યો છે કે 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મતદાન પ્રક્રિયા થશે, પરંતુ મતગણતરી અને પરિણામ જાહેર કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. સાથે જ ચૂંટણી અધિકારીને બેલેટ પેપરો અને ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજોની સુરક્ષિત જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી આપવાથી તેમના હકમાં કોઈ અધિકાર ઊભો નહીં થાય અને અંતિમ ચુકાદો આવનારા સુનાવણી બાદ જ થશે. આ મામલો 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરી સુનાવણી માટે મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top