બિલ્ડર દ્વારા મકાન બાંધકામ માટે નિર્ધારિત કરાર કરતાં વધુ રકમ મેળવી લીધા છતાં યોગ્ય બાંધકામ ન કરી છેતરપિંડી આચરી
ગ્રાહક સાથે મજૂરી મટિરિયલ્સ સાથે મકાન બાંધકામના કરારમાં નિયત રકમ કરતાં વધુ રકમ મેળવી બાંધકામ બંધ કરી દીધું
(પ્રતિનિધિ) વડોદરા તા.22
શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાના મકાન બાંધકામ માટે શહેરના ગોહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઓથોરાઇઝ પર્સન સાથે પોતાના મકાનના લેબર, મટિરિયલ્સ સાથે બાંધકામ કરી આપવા જરૂરી શરતો અને નિયમો સાથે લેખિત કરાર કર્યો હતો જેમાં નિયત કરેલ રકમ રૂપિયા 31 લાખની આસપાસ નક્કી કરવામાં આવી હતી તે તબક્કાવાર ચૂકવણી કરી હતી તદ્પરાંત અલાયદા વધારાના કામ પેટે રકમ માંગી રૂપિયા 33.63 લાખ ઉપરાંતની રકમ મેળવી કામગીરી પૂર્ણ થયેલ જણાવી કામ બંધ કરી દીધું હતું તથા યોગ્ય ગુણવત્તા ન રાખી અધુરી કામગીરી કરી છેતરપિંડી, વિશ્વાસઘાત કરી આર્થિક નુકશાન કર્યું હોવાના મામલે ગ્રાહકે વકીલ મારફતે શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ અરૂણાચલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા જમ્બુકુમાર ખંડેલવાલ દ્વારા પોતાના મકાનના બાંધકામ માટે શહેરના કંસ્ટ્રકશનનો વ્યવસાય કરતા ગોહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે. ઇન ઓર્બિટ મોલ પાસે, ગોરવા રોડના ઓથોરાઇઝ પર્સન ભાર્ગવભાઇ ગોહેલ સાથે તા.15-07-2024 ના રોજ લેખિત કરાર કરવામાં આવ્યો હતો જે મુજબ નક્કી ઠરાવેલ બાંધકામ કરી આપવા સામે ચૂકવણા તરીકે એટલે કે લેબર વીથ મટિરિયલ સાથેના બાંધકામ પેટે કુલ રૂ.31,00,551 નક્કી કરવામાં આવ્યા હતા જે પૈકી કામગીરી ચાલુ હતી એટલે કે અધૂરી કામગીરી છતાં જમ્બુકુમાર ખંડેલવાલે બિલ્ડરને રૂ.26,17,000 ચૂકવી આપ્યા હતા ત્યારબાદ બિલ્ડર દ્વારા અલાયદા વધારાના ખર્ચ પેટે રૂ 3,87,474 ની માંગણી કરતાં તે રકમની ચૂકવણી કરી હતી ત્યારબાદ તા.25-26/02/2025 ના રોજ કરવામાં આવેલી અલાયદા સમજૂતી કરાર મુજબ રૂ.3,58,904 ની રકમ ચૂકવી હતી આમ કુલ રૂ 33,63,378 ની રકમની ચૂકવણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરી અધૂરી કામગીરી કરી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી ગ્રાહકને આર્થિક નુકશાન કર્યું હોવાના મામલે જમ્બુકુમાર ખંડેલવાલ દ્વારા વકીલ મારફતે પોલીસ કમિશનર ને ફરિયાદ કરી હતી સાથે જ બિલ્ડરને નોટિસ આપી ખુલાસો માગ્યો હતો જેના જવાબમાં બિલ્ડર દ્વારા નિયત કરાર મુજબ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.