ખરસાલીયા સ્ટેશન પાસે કૂવામાંથી શ્રમજીવીનો મૃતદેહ મળતા ચકચાર
વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
કાલોલ : વેજલપુર નજીક ખરસાલીયા રેલવે સ્ટેશન પાસે આવેલા કૂવામાંથી એક શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પોતાના બાળકો માટે ચોકલેટ લેવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. શુક્રવારે બપોરે કૂવામાંથી તેમની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ મૃતક અલકાઈ નનુભાઈ કોન્દર (ઉંમર 36 વર્ષ) મૂળ મધ્યપ્રદેશના રાજનગર તાલુકાના ઝમટુલી ગામના વતની હતા. તેઓ હાલ જીતપુરા-ખરસાલીયા રેલવે સ્ટેશન વિસ્તાર નજીક રહી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 3 માર્ચના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે તેઓ પોતાના બાળકો માટે ચોકલેટ લેવા નીકળ્યા હતા, પરંતુ પરત ન ફરતા પરિવારજનો દ્વારા આસપાસ શોધખોળ કરવામાં આવી હતી.
શુક્રવારે બપોરે ખરસાલીયા સ્ટેશન નજીક આવેલા કૂવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના કાકાના દીકરા નોનેલાલ બિરજુભાઈ આદિવાસી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ અલકાઈ કોન્દર કૂવામાં કેવી રીતે પડ્યા અને ઘટનાનું સાચું કારણ શું છે તે અંગે સઘન તપાસ કરી રહી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા