Dakshin Gujarat

બારડોલીના યુવકને ઓનલાઈન શેરબજારમાં કમાવાનો લોભ ભારે પડ્યો, 28 લાખ ગયા

બારડોલી: બારડોલી તાલુકાના તેન ગામે રહેતા યુવકને ઓનલાઈન શેર બજારમાં નાણાં રોકવું ભારે પડ્યું હતું. અજાણ્યા શખ્સોએ વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરાવી વધુ વળતર આપવાની લાલચ આપીને 28 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટનાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, બારડોલી તાલુકાના તેન ગામની ચાણક્યપૂરી આનંદનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના મિલકા મોસમગઢના વિજયકુમાર રાજપાલ સિંહનો અલગ-અલગ મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઠગોએ વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો. ઠગોએ યુવકને વિશ્વાસમાં લીધો હતો અને શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ યુવકને ઝીરોધા મીન (ZERODHA MIN) એપમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો અને અલગ-અલગ બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. આ રીતે ઠગોએ યુવક પાસેથી આશરે ૨૮,૦૯,૪૦૧/- રૂપિયા પડાવી લીધા હતા.

આ ઘટનાની ફરિયાદ વિજયકુમાર રાજપાલસિંહે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઠગો વિરુદ્ધ B.N.S 2023 ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ની કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top