મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીનો પાર્થિવ દેહ હાલમાં બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાન મકબા હાઇટ્સ ખાતે હાજર છે. અત્યાર સુધી સલમાન ખાન, તેના પરિવારના સભ્યો અને અન્ય ઘણા સેલેબ્સ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. બાબા સિદ્દીકીને મરીન લાઇન્સ સ્ટેશનની સામે બડા કબરીસ્તાન ખાતે રાત્રે 8:30 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગઈકાલે રાત્રે એક દુ:ખદ ઘટનામાં, NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમને બચાવવાના તમામ પ્રયાસો છતાં સિદ્દીકીનું લીલાવતી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હૃદયદ્રાવક સમાચાર સાંભળીને તેમના નજીકના મિત્ર અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાન શોકગ્રસ્ત પરિવારને તેમનો ટેકો આપવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. સલમાન ખાન તેમને શ્રદ્ધાંજલિ આપવા અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે એકતામાં ઊભા રહેવા બાબા સિદ્દીકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
સલમાનના પરિવારના સભ્યો પણ બાબા સિદ્દીકીના ઘરે પહોંચ્યા હતા. તેનો ભાઈ સોહેલ ખાન, બહેન અર્પિતા અને યુલિયા વંતુર સહિત અન્ય સેલેબ્સ અહીં જોવા મળ્યા હતા. અભિનેત્રી પૂજા ભટ્ટ બાબા સિદ્દીકીના ઘરે પહોંચી હતી. બાબાના અંતિમ દર્શન બાદ તેમના ઘરેથી બહાર આવતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા પ્રિયા દત્ત પણ નજરે પડ્યા હતા.
અહેવાલો અનુસાર સલમાન ખાન તેના પ્રિય મિત્ર બાબા સિદ્દીકીને ગુમાવ્યા બાદ દિલથી દુઃખી છે. મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા પછી અભિનેતા સૂઈ શક્યો ન હતો અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન અને તેમના પરિવારની સુખાકારી વિશે પૂછતો રહ્યો હતો. બાબા સિદ્દીકી પરિવારના નજીકના એક સૂત્રએ કહ્યું કે ભાઈજાન અંતિમ સંસ્કારની તૈયારીઓ અને ફોન પર અન્ય તમામ વિગતો તપાસી રહ્યા છે. તેમણે આગામી કેટલાક દિવસો માટે તેમની તમામ અંગત મીટિંગો અને કાર્યક્રમો પણ રદ્દ કરી દીધા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાનના નજીકના પરિવારના સભ્યો પણ આ ખોટથી એટલા જ દુખી છે. અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ બાબાના ખૂબ જ નજીક હતા અને તેમની ઇફ્તાર પાર્ટીઓમાં નિયમિત હાજરી આપતા હતા. દિવંગત નેતા માત્ર સલમાનના મિત્ર જ ન હતા પરંતુ પરિવાર જેવા પણ હતા. જ્યારે તે અને ઝીશાન સલમાનને મળવા ગેલેક્સી જતા ત્યારે તેમનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરવામાં આવતુ હતુ. એક સાચા મિત્રની જેમ સલમાન પણ આ દુખદ ઘટના બાદ પરિવારને મળવા આવ્યો હતો.