વડોદરા : શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા હાઇવે પાસેના ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સ ખાતે પાલિકા તંત્રની દબાણ શાખાએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા રસ્તા પર ગેરકાયદેસર રીતે દુકાનોના વિસ્તરણ સાથે બાંધકામ કરાયું હતું, જેને લઈને સ્થાનિકોમાં પણ અવારનવાર રોષ જોવા મળતો હતો. આ વિસ્તારમાં 12 મીટરના માર્ગને અડીને કેટલીક દુકાનોનો ભાગ તો કેટલીક દુકાનો આખેઆખી રીતે રસ્તા પર બની હતી. રોડ સમાંતર બનેલ આ દબાણને લઈને પાલિકા તંત્રને અનેક ફરિયાદો મળતા તંત્ર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં દુકાનદારો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું. અંતે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરતાં 15 જેટલી દુકાનોના ગેરકાયદેસર હિસ્સાઓ તોડી પડાયા હતા. કેટલાક કેસોમાં આખી દુકાન જ કાયમી રીતે દૂર કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વિરોધ ન થાય. આખરે 12 મીટરનો માર્ગ ખુલ્લો થતા સ્થાનિકો તથા ટ્રાફિક માટે રાહતની લાગણી ઊભી થઈ છે.