Vadodara

બાપોદ જકાતનાકા વિસ્તારમાં અવારનવાર વીજળી ગુલ થવાથી લોકો પરેશાન

60 હજાર વીજ ગ્રાહકો વચ્ચે ઈન્દ્રપુરી સબ ડિવિઝનમા માત્ર 35 કર્મચારીઓ

સબ ડિવિઝનમા સ્ટાફની અછતને કારણે અલગ અલગ જગ્યાએ વીજફોલ્ટની ઘટના સમયે ઝડપી સમારકામ થકી નિરાકરણ આવી શકતું નથી :

(પ્રતિનિધિ),વડોદરા તા.19

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં અવારનવાર વીજળી ગુલ થવાની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને ચોમાસામાં આ ઘટનાઓમાં વધારો જોવા મળે છે. જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. ઇન્દ્રપુરી સબ ડિવિઝનમા અંદાજે 60,000 વીજ ગ્રાહકો વચ્ચે માત્ર 35 કર્મચારીઓ વીજ પુરવઠો ખોરવાય ત્યારે સમારકામ કામગીરી માટે અલગ અલગ શિફ્ટમા ફરજ બજાવે છે. જેઓ એક સાથે બે ત્રણ જગ્યાએ વીજ ફોલ્ટ દરમિયાન સમયસર પહોંચી કામગીરી કરી શકતા નથી. જેનાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલી ઘણી સોસાયટીઓમાં દરરોજના વીજળી ગુલ થવાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ બનાવોમાં વધારો જોવા મળે છે. પૂર્વ વિસ્તારમાં વીજ લાઇન ખટંબા થી આપવામાં આવી છે, બીજી તરફ વિજ કંપનીના ખાનગીકરણ બાદ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી અને જે સબ ડિવિઝન પાડવામાં આવ્યા છે. જેમાં એક એક સબ ડિવિઝનમા પચાસ હજાર કે તેથી વધુ વીજ ગ્રાહકો આવેલા છે. જેમાં રહેણાંક વિસ્તાર,ઓફિસો, નાના કારખાના,હાઇરાઇઝ ઇમારતો, કોમ્પલેક્ષ વિગેરેનો સમાવેશ થાય છે. આટલા ગ્રાહકો અને અલગ અલગ વિસ્તારો વચ્ચે વીજ સમારકામ માટે સ્ટાફની ખૂબ જ અછત જોવા મળી રહી છે ખાસ કરીને ઇન્દ્રપુરી સબ ડિવિઝનમા અંદાજે 60,000 થી વધુ વીજ ગ્રાહકો છે અહીં ઇન્દ્રપુરી સબ ડિવિઝનમા માત્ર કુલ 35 કર્મચારીઓ જેઓ અલગ અલગ શિફ્ટમા વીજ પુરવઠો ખોરવાય ત્યારે સમારકામ કામગીરી કરતા હોય છે. ચોમાસામા જો બે ચાર જગ્યાએ વીજફોલ્ટ થાય ત્યારે તેવા સમયે ઓછા કર્મચારીઓને કારણે ઝડપી કામગીરી થઇ શકતી નથી જેનાથી જે તે વિસ્તારમાં લોકોને અંધકારમાં લાંબા સમય સુધી રહેવાનો વારો આવે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ટ્રાન્સફોર્મર, વીજપોલ પર ઉગી નિકળેલા જંગલી વેલાઓને દૂર કરવાની કામગીરી પણ ચોમાસાની ઋતુ પહેલાં થઈ શકી નથી તેની પાછળ પણ સ્ટાફ અને સાધનોનો અભાવ જોવા મળે છે. બાપોદ જકાતનાકા પાસે આવેલી ઇન્દ્રપુરી સોસાયટી પાસે વીજપોલ અને જીવંત વીજ વાયરો પર જંગલી વેલાઓ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ચોમાસામાં વરસાદ વચ્ચે વીજ કરંટ ઉતરવાની તથા વીજ પૂરવઠો ખોરવાઇ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે પરંતુ અહીં પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે પણ વીજ પોલ પરથ નડતરરૂપ વેલાઓ હટાવી શકાયા નથી પરિણામે કોઇ મોટી દુર્ઘટના સર્જાવવાની ભીતિ છે. ઇન્દ્રપુરી સબ ડિવિઝન વિસ્તારમાં ઘણા વીજ ડી.પી. ટ્રાન્સફોર્મર એવી જગ્યાએ છે કે જ્યાં વરસાદી પાણી ભરાય તો જલ્દી કોઇ સાધન ત્યાં જઇ શકે નહીં આવા સમયે ખાનગીકરણ બાદ વીજ કંપનીમાં જરૂરી સાધનો, વીજ કર્મચારીઓ પાસે સુરક્ષાના સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી કરાવાયા, પરિણામે જ્યારે આવા વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજપુરવઠો બહાલ ન થતાં લોકોનો ગુસ્સો બિચારા કર્મચારીઓ પર ઉતરતો હોય છે ખરેખર કર્મચારીઓ લાચાર છે. તેઓ કહી શકતા નથી કે સહી શકતા નથી મજબૂરી મર્યાદિત સાધનો, મર્યાદિત સ્ટાફ સાથે કામગીરી કરવામાં ખૂબ તકલીફ વેઠી રહ્યાં છે. વીજ કંપનીના ખાનગીકરણ બાદ ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જીસ હેઠળ પૈસા વસૂલવામાં આવે છે સાથે જ જ્યાં સબ ડિવિઝન વધારી સ્ટાફ અને જરૂરી સાધનો, કર્મચારીઓ માટે સુરક્ષાના સાધનો વધારવાની જરૂર છે તે કામગીરી કરવાને બદલે મર્યાદિત કર્મચારીઓ પાસેથી ઓછા સાધનો, સુરક્ષા સાધનોની પૂરતી સુવિધા વિના કામગીરી કરાવવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓ પોતાનું શારીરિક અને માનસિક શોષણ થતું હોય તેમ અનુભવે છે. વીજ કંપનીના કર્મચારીઓની આ વેદના જાણવા અને સમજવા માટે ના કોઇ રાજકીય નેતાઓ છે, ના વીજ કંપનીના મોટા અધિકારીઓ અને સંલગ્ન વિભાગ . ત્યારે સવાલ એ થાય છે કે વીજ કંપનીના ખાનગીકરણ બાદ ક્યાં સુધી લોકોને તથા વીજ કંપનીના કર્મચારીઓને શોષાવવુ પડશે ?

Most Popular

To Top