- બસપાના ઉમેદવાર વડોદરા છે કે કેમ તે તપાસવા પોલીસનો સહારો લેવાયો?
- ભાજપાના શહેર પ્રમુખ સામે પણ વડોદરા બસપાના ઉમેદવારે આક્ષેપ કર્યા
સુરત લોકસભા બેઠક ઉપર રાજકીય શતરંજના સોગઠાં ગોઠવાયા બાદ ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ત્યારે તેનું પગેરું વડોદરા સુધી પણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરત બસપાના ઉમેદવાર વડોદરા ખાતે છુપાયા હોવાની અટકળો સાથે પ્રદેશ પ્રભારીના નિવાસસ્થાને પોલીસે પ્રોહીબીશનની રેડ કરી તપાસ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
બેઠક ઉપર કોઈ પ્રતિસ્પર્ધી જ ન રહેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જો કે અંતે બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી ફોર્મ પરત ખેંચવાની મનાઈ કરતા હતા જેઓ સામે શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયોગો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન વડોદરા ખાતે રહેતા બસપાના પ્રદેશ પ્રભારી સુરેન્દ્રસિંહ કલોરિયાના નિવાસસ્થાને તેઓના પરિવારજનોને પણ હેરાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા બસપાના ઉમેદવાર અમિત જાદવે જણાવ્યું હતું કે સુરેન્દ્રસિંહના ગાયત્રી પાર્કના નિવાસસ્થાને ગત મોડી રાતે પોલીસે પ્રોહીબીશનના નામે રેડ કરી હતી. જો કે આ રેડના નામે તેઓ રેકી કરવા આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. સુરેન્દ્રસિંહના બે મકાનો છે ગાયત્રી પાર્ક તેમજ ગુરુનાનક નગર ખાતે આવેલા છે. સુરેન્દ્રસિંહ પ્રદેશ ઓફિસમાં હતા અને તેઓનો દીકરો સિદ્ધાર્થ સ્ટેશનરીની દુકાન ધરાવે છે તેઓને પણ ભાજપાના શહેર પ્રમુખ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ખોટી રીતે સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરાયો હતો અને રાતે 1 થી 2.30 વાગ્યાના અરસામાં પ્રોહીબીશનના નામે રેડ કરી હતી. અને પરિવારજનોને પણ હેરાન કરવામાં આવ્યા હતા. આ અંગે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું . શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનો આ અંગે પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરાયો હતો , પરંતુ તેમનો ફોન નો રિપ્લાય થયો હતો.