ફતેપુરા–સુખસર તાલુકા વિભાજનનો મુદ્દો ગરમાયો
(પ્રતિનિધિ) સુખસર | તા. 6
ફતેપુરા તાલુકાનું વિભાજન થતાં નવા સુખસર તાલુકાનું અસ્તિત્વ આવ્યું છે. આ વિભાજન અંતર્ગત 46 જેટલા ગામડાઓનો સુખસર તાલુકામાં સમાવેશ કરાયો છે. પરંતુ આ પ્રક્રિયામાં બલૈયા ગ્રામ પંચાયત હેઠળ આવતા બલૈયા અને ભાટ મુવાડી ગામોને સુખસર તાલુકામાં સામેલ કરાતા સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. પરિણામે બલૈયા ગામના નાગરિકોએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવી બંને ગામોને ફરી ફતેપુરા તાલુકામાં જ રાખવાની માંગ ઉઠાવી છે.
મળતી માહિતી મુજબ, બલૈયા ગ્રામ પંચાયત હેઠળ આવતા ચાર ગામોમાંથી બાવાની હથોડ અને બારીયાની હથોડ ગામોને ફતેપુરા તાલુકામાં જ રાખવામાં આવ્યા છે, જ્યારે બલૈયા અને ભાટ મુવાડી ગામોને સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈ ગ્રામજનોનું કહેવું છે કે બલૈયા ગામથી સુખસર પહોંચવા માટે બે વાહનો બદલવા પડે છે, જેના કારણે ગરીબ અને સામાન્ય નાગરિકોને સમય તથા નાણાંનો વધારાનો બોજ સહન કરવો પડે છે.
ગ્રામજનોએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રોજબરોજના વહીવટી કામો, દસ્તાવેજી કામગીરી અને સરકારી સેવાઓ માટે ફતેપુરા તાલુકો વધુ સુલભ અને નજીક પડે છે. તેથી બલૈયા અને ભાટ મુવાડી ગામોને ફતેપુરા તાલુકામાં જ રાખવામાં આવે તે જરૂરી છે.
જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સમગ્ર વિસ્તારમાં નજર ટકેલી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી