Vadodara

બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા ABVP મેદાનમાં

વાયવા દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે સિનિયર પ્રધ્યાપક દ્વારા અશ્લિલ વર્તનનો આક્ષેપ

ગુનો સાબિત થાય છે,તો કસૂરવાર સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહીની માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

બરોડા મેડિકલ કોલેજમાં સિનિયર પ્રધ્યાપક ઉપર બીજા વર્ષના પ્રેક્ટીકલ વાઈવા દરમ્યાન વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે, તેવામાં વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં ફાર્માકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર અમૂલ ભાવે સામે 13 થી વધુ વિદ્યાર્થીઓએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો છે કે, વાયવા દરમ્યાન પ્રોફેસરે વિદ્યાર્થીનીઓનો હાથ પકડી અહીં ક્રીમ લગાવો તો કેવું લાગે કહી પોતાના શરીર પર આંગળીઓ ઘસાવી હતી. આ ઉપરાંત એક વિદ્યાર્થીનીનો આખા વાયવા દરમિયાન હાથ પકડી રાખ્યા નો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે શનિવારે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા બરોડા મેડિકલ કોલેજ ખાતે પહોંચી ડીનની ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા સહિત જો ગુનો સાબિત થાય છે, તો કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. એબીવીપીની કાર્યકર કૃપા ઠાકોરે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થીનીની છેડતી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હતી અને એ નીંદનીય બાબત છે. આવી મોટી ઘટના કેમ્પસમાં ના થવી જોઈએ. એ થાય એનું કારણ શું હોઈ શકે. પૂરેપૂરી સિક્યુરિટી મળી નથી રહી અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે, નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડવામાં આવે અને જો શિક્ષક કસૂરવાર સાબિત થાય છે. એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એબીબીપી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. એબીવીપીના અધ્યક્ષ વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બરોડા મેડિકલ કોલેજમાં વાઈસ ડીન દ્વારા 13 જેટલી વિદ્યાર્થીઓની સતામણી કરવામાં આવી હતી. ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે. અને અમારી સ્પષ્ટ માંગ છે કે, આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગુનો થયો હશે, તો તેમની પર યુનિવર્સિટી તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી જોઈએ. જ્યાં સુધી વિદ્યાર્થીનીઓને એમનો ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ જંગ ચાલુ રાખશે. જ્યારે જ્યારે વિદ્યાર્થી પરિષદ કોઈપણ જગ્યાએ આવેદનપત્ર અથવા રજૂઆત કરવા માટે પહોંચે છે. ત્યારે જોવામાં આવે છે કે રજૂઆત સાંભળનારની ઓફિસ બહાર તાડજ હોય છે. આજે પણ એ વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આજે રજૂઆત કરવા માટે આવ્યા પણ ડીન ઓફિસ બહાર તાળું લટકી રહ્યું છે. આજે તેર વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી કરવામાં આવી છે, તે નામ વિના તેઓએ લેખિતમાં ડીનને ફરિયાદ કરી છે. જેથી કરીને ફેકલ્ટીમાં પણ કોઈને ખબર નથી કે આ વિદ્યાર્થીનીઓ કોણ છે. તપાસ કરવામાં આવી રહી છે, પણ તપાસ કમિટી સાત દિવસ બાદ બેસે કારણકે જે આ કમિટીના હેડ છે. તેઓ સાત દિવસ પછી આવવાના છે, પણ આવી બધી બાબતોમાં તપાસ કમિટીની રાહ જોવાની ન હોય બહેનોને ન્યાય તો મળવો જોઈએ.

Most Popular

To Top