ભુવા નગરીનું ભયાનક ચિત્ર : વિકાસની નબળાઈ કે ભ્રષ્ટાચારની ખાણ?
બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પર પડેલા ભુવા પર સ્થાનિકોનો વિરોધ, મનપા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
વડોદરા, જેને ભુવા નગરી તરીકે ઓળખવામાં આવવા લાગ્યું છે, ત્યાં ફરી એક વખત પડેલા ભૂવાએ પાલિકા અને તેના વિકાસ કામોની ગંભીર ખામીઓને ખુલ્લી પાડી છે. આ વખતે ભૂવો પડ્યો છે બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (BPC) રોડ પર, જ્યાં પહેલા પણ અનેક વખત ભૂવા પડવાની ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂવો અંદાજે 10 ફૂટ ઊંડો અને 20 ફૂટ લાંબો છે, જ્યારે બહારથી માત્ર ચાર ફૂટ જેટલો દેખાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વરસાદ વગર પણ ભૂવા પડી રહ્યા છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સ્થાનિક રહેવાસીઓએ ખુદ ભૂવામાં ઊતરી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમના મતે, વારંવાર ભુવા પડવાના પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી નથી થતી. લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ભ્રષ્ટાચારના કારણે ટૂંકા ગાળાના કામોથી છૂટકારો લેવાય છે, જે ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઉભી કરે છે.
વિશ્લેષકોનું માનવું છે કે આવા ભુવા માત્ર ભૂગર્ભ સમસ્યાઓ નહીં પણ શાસન અને નિર્માણ પ્રક્રિયાની નબળાઈ દર્શાવે છે. આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે હવે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પણ ચોક્કસ જવાબદારી નિર્ધારણ અને ભવિષ્યદ્રષ્ટિ યોજનાઓની જરૂર છે.
