સામા પક્ષના ફોર્મ રદ થતા દિગ્ગજો ફાવી ગયા; તિલકવાડા અને વડોદરા તાલુકા બેઠક પર ‘ચિન્હ’ને લઈ પેનલમાં ભંગાણની સ્થિતિ
વડોદરા: બરોડા ડેરીની આગામી 18મી માર્ચના રોજ યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર ઘણું ખરું સ્પષ્ટ થઈ ગયું છે. કુલ બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની 7 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાશે. જોકે, ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ 7મી માર્ચ હોવાથી આખરી ચિત્ર તે દિવસે સ્પષ્ટ થશે.
ચકાસણી દરમિયાન સામા પક્ષના ફોર્મ રદ થતા અથવા અન્ય ટેકનિકલ કારણોસર વર્તમાન બોર્ડના દિગ્ગજ નેતાઓ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
ચૂંટણી ચિન્હની ફાળવણીમાં પણ આ વખતે નવો વળાંક જોવા મળ્યો છે. ડેરીના હયાત બોર્ડના મોટાભાગના ઉમેદવારોએ ‘મીણબત્તી’ નું નિશાન મેળવ્યું છે. પરંતુ, તિલકવાડા અને વડોદરા તાલુકા બેઠક પર સામા પક્ષના ઉમેદવારોએ પણ મીણબત્તીનું જ ચિન્હ મેળવી લેતા સત્તાધારી પેનલનું એક સમાન ચિન્હ રાખવાનું ગણિત ખોરવાયું છે. બીજી તરફ, બે ઉમેદવારોને હજુ ચિન્હ ફાળવવામાં આવ્યા નથી.
આગામી 7મી માર્ચ સુધીમાં જો કોઈ ઉમેદવાર ફોર્મ ખેંચે છે, તો બિનહરીફ બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અન્યથા 18મી માર્ચના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ બેઠકો બિનહરીફ
*નસવાડી બેઠક: અહીંથી માત્ર એક જ ફોર્મ ભરાયું હોવાથી ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા.
*પાદરા બેઠક: ડેરીના પ્રમુખ દિનુ મામા (દિનેશ પટેલ) ફરી એકવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
*અન્ય બિનહરીફ બેઠકો: સંખેડા બેઠક પરથી ક્રિપાલસિંહ મહારાઉલ, બોડેલીથી રમેશભાઈ બારીયા, વાઘોડિયાથી રાજુભાઈ અલવા અને છોટાઉદેપુર બેઠક પરથી સંગ્રામસિંહ રાઠવાના વિરોધી ઉમેદવારોના ફોર્મ રદ થતા તેઓ ફરી ડિરેક્ટર તરીકે રિપીટ થયા છે.
– કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ?
બાકી રહેલી બેઠકો પર ફોર્મ મંજૂર થતા હવે રસાકસીભર્યા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે:
1.સાવલી: 2 ઉમેદવાર
2.ડેસર: 4 ઉમેદવાર
3.કરજણ: 3 ઉમેદવાર
4.ડભોઈ: 4 ઉમેદવાર
5.પાવીજેતપુર: 3 ઉમેદવાર
6.વડોદરા તાલુકા: 3 ઉમેદવાર
7.તિલકવાડા: 4 ઉમેદવાર