“ઝૂક્યો નથી, ઝૂકીશ નહીં”: ભાઈની બદલી અને મંડળીઓ પર ઓડિટના નામે કિન્નાખોરીનો આક્ષેપ; પેટ્રોલ પંપ પર ડ્રોનથી જાસૂસી કરાતી હોવાનો સનસનીખેજ દાવો
વડોદરા: બરોડા ડેરીની આગામી ચૂંટણીએ હવે રાજકીય યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. ડેસર બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કુલદીપસિંહ રાઉલજીએ ધારાસભ્ય કેતન ઈનામદાર અને સરકારી તંત્ર વિરુદ્ધ મોરચો માંડતા ગંભીર આક્ષેપો કર્યા છે. રાઉલજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેમને અને તેમના પરિવારને માનસિક રીતે તોડવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ કોઈ પણ સંજોગોમાં મેદાન છોડશે નહીં.
કુલદીપસિંહ રાઉલજીએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે, તેમના ભાઈ જે ડેરીમાં નોકરી કરે છે, તેમની કિન્નાખોરી રાખીને દૂર બદલી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, તેમના વ્યવસાયિક સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે, “મારા પેટ્રોલ પંપ પર ડ્રોન ઉડાવીને જાસૂસી કરવામાં આવી રહી છે. અમે ધારાસભ્યના એક માણસને ડ્રોન સાથે પકડી પણ પાડ્યો હતો.” આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકશાહીની ગરિમાને કલંકિત કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સહકારી કાયદાઓનો હવાલો આપતા રાઉલજીએ જણાવ્યું કે, તેમની સાથે જોડાયેલી મંડળીઓ પર જ ખાસ ટાર્ગેટ રાખીને ઓડિટની નોટિસો ફટકારવામાં આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “નવ મહિનામાં ઓડિટ કેવી રીતે થઈ શકે? વર્ષ પૂર્ણ થયા વગર ઓડિટ કરવાની શું ઉતાવળ છે?” છેલ્લા ત્રણ દિવસમાં જ ચાર જેટલી નોટિસો આપીને વહીવટી તંત્ર દ્વારા તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. અન્ય મંડળીઓને છોડીને માત્ર તેમની જ મંડળીઓ પર તપાસનો કોરડો વીંઝવો એ રાજકીય ષડયંત્ર હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
પોતાના સમર્થકો અને મતદારોના જોરે મેદાને પડેલા રાઉલજીએ અંતમાં હુંકાર કર્યો હતો કે, “લોકશાહીમાં મતદારો જ સર્વોપરી છે. જો સાચી તાકાત હોય તો ખેલદિલીથી ચૂંટણી લડો, સરકારી મશીનરીનો સહારો લઈને ડરાવવાની કોશિશ ન કરો. હું મારા મતદારો સાથે છું અને અંત સુધી લડત ચાલુ રાખીશ.”
– સત્તાનો ‘સકંજો’ કે લોકશાહી?
કિન્નાખોરીના ગંભીર આક્ષેપો…
*ભાઈની બદલી: ડેરીમાં ફરજ બજાવતા ભાઈની અચાનક બદલી કરીને દબાણ ઊભું કરાયું.
*અકાળે ઓડિટ: વર્ષ પૂરું થયા પહેલા જ મંડળીઓ પર ઓડિટની નોટિસોનો મારો.
*ડ્રોનથી જાસૂસી: પેટ્રોલ પંપ પર ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવતી હોવાનો સનસનીખેજ દાવો.
*મશીનરીનો દુરુપયોગ: માત્ર વિરોધ પક્ષના ઉમેદવારને ટાર્ગેટ કરવા સરકારી તંત્ર સક્રિય થયું હોવાનો આક્ષેપ.
– રાઉલજીનો હુંકાર…
“ઝૂક્યા નથી, ઝૂકીશું નહીં!”
કુલદીપસિંહ રાઉલજીએ મક્કમતાથી જણાવ્યું હતું કે, ગમે તેટલી નોટિસો કે બદલીઓ કરવામાં આવે, તેઓ ચૂંટણી મેદાનમાંથી હટશે નહીં. તેમણે કહ્યું કે, “મારી લડાઈ અન્યાય સામે છે. મતદારો પર મને ભરોસો છે અને આ લડાઈ હવે વ્યક્તિગત સ્વાભિમાનની લડાઈ બની ગઈ છે.”