4 ઝોનમાં માત્ર એક-એક ફોર્મ આવતા બિનહરીફની શક્યતા; આગામી 7 માર્ચ સુધી ફોર્મ ખેંચી શકાશે
વડોદરા: બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને વહીવટી પ્રક્રિયા તેજ બની છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે દ્વારા ફોર્મ ચકાસણી બાદ મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. ડેરીની ચૂંટણી માટે ભરાયેલા કુલ 55 ઉમેદવારી ફોર્મમાંથી ચકાસણીના અંતે 31 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 24 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ઠર્યા છે.
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ઝોન નંબર 1, 10, 11 અને 13 માં માત્ર એક-એક ઉમેદવારના જ ફોર્મ આવ્યા છે. આથી, આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત આગામી 9 માર્ચના રોજ કરવામાં આવશે.
ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મોટાભાગના ઉમેદવારોને તેમની પ્રથમ પસંદગીના પ્રતીકો મળ્યા છે, જ્યારે અમુકને બીજી પસંદગીના પ્રતીકો ફાળવાયા છે. ચાલુ વર્ષે ઉમેદવારોમાં ‘મીણબત્તી’ અને ‘હાથબત્તી’ જેવા પ્રતીકોની માંગ વધુ જોવા મળી હતી.
– આગામી કાર્યક્રમ
ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે:
*7 માર્ચ સુધી: માન્ય ઠરેલા ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
*9 માર્ચ (સવારે 11:00 વાગ્યે): હરીફ અને બિનહરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.