માત્ર 33 ઉમેદવારોએ 100 ફોર્મ ઉપાડતા સહકારી ક્ષેત્રમાં ‘પેનલ પોલિટિક્સ’ અને વ્યુહાત્મક તૈયારીઓના સંકેત
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન ‘બરોડા ડેરી’ વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી 18 માર્ચના રોજ યોજાનાર આ ચૂંટણી માટેની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે આ વખતનો જંગ રસપ્રદ બની રહેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ કુલ 100 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. આંકડાકીય દ્રષ્ટિએ જોતા, માત્ર 33 વ્યક્તિઓએ જ આ 100 ફોર્મ મેળવ્યા છે. સહકારી ક્ષેત્રના નિષ્ણાતોના મતે, એક જ વ્યક્તિ દ્વારા એકથી વધુ ફોર્મ ઉપાડવાની આ પ્રથા પાછળ ‘પેનલ પોલિટિક્સ’ અને ‘વ્યૂહાત્મક તૈયારીઓ’ જવાબદાર છે. ડમી ઉમેદવારો અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ ન થાય તે હેતુથી ઉમેદવારો દ્વારા વધુ ફોર્મ લેવામાં આવ્યા હોવાનું મનાય છે.
બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના હજારો પશુપાલકો સાથે જોડાયેલી સંસ્થા છે. આથી, આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ રાજકીય વર્ચસ્વની લડાઈ પણ છે. 26 ફેબ્રુઆરીએ ફોર્મ ભરાઈ ગયા બાદ અને 9 માર્ચે ચિત્ર સ્પષ્ટ થયા પછી પ્રચાર અભિયાનમાં મોટો ઉછાળો જોવા મળશે.
તંત્ર દ્વારા પણ 18 માર્ચે પારદર્શક મતદાન અને તે જ દિવસે પરિણામોની જાહેરાત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં કયા દિગ્ગજો મેદાનમાં ઉતરે છે અને કઈ પેનલ મજબૂત બને છે તેના પર
સૌની મીટ મંડાયેલી છે.
:- ચૂંટણી કાર્યક્રમ પર એક નજર…
*26 ફેબ્રુઆરી: ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ.
*28 ફેબ્રુઆરી: ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરાશે, જેમાં દસ્તાવેજો અને લાયકાતની તપાસ થશે.
*09 માર્ચ: અંતિમ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે.
*18 માર્ચ: સવારે મતદાન યોજાશે અને ત્યારબાદ તુરંત જ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે.