નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બજરંગ દળના કાર્યકરોનો હોબાળો
અગાઉ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર માસુમ મહીડાએ બાઈકને ટક્કર મારતા વિવાદ વકર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બજરંગ દળના કાર્યકરોએ એકત્ર થઈને સંગઠન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અગાઉ મિત્રની પત્નીની છેડતી કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે બાઈકને ટક્કર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાં હાજર મહિલાએ બજરંગ દળના કાર્યકરોને દલાલ અને લુખ્ખા કહેતા વાતાવરણ તંગ બન્યું હતું.
બજરંગ દળના જિલ્લા સંયોજક કેયુરકુમાર પટેલે આ અંગે જણાવ્યું હતું કે, એક મિત્ર પર ફોન આવ્યો હતો કે અગાઉ તેમની પત્નીની છેડતી કરનાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા માસુમ મહીડાએ આજે બાઈકને ગાડીથી ટક્કર મારી હતી. આ શખ્સ અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે, જેના અનુસંધાને તપાસ માટે તેઓ પશ્ચિમ પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસ મથકમાં બેઠેલી એક મહિલાએ બજરંગ દળના કાર્યકરો માટે દલાલ અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને સંગઠન વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેને કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે આ ગુનાહિત માનસિકતા ધરાવતો શખ્સ જાહેર રસ્તા પર દાદાગીરી કરે છે અને પોલીસ પ્રશાસને તેની સામે કડક પગલાં ભરવા જોઈએ. સંગઠન વિરુદ્ધ બોલનારને આવનારા સમયમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.