Vadodara

બકુલેશ ગુપ્તાજીની પુણ્યસ્મૃતિએ સામાજિક સેવાથી અનોખી શ્રદ્ધાંજલિ

વડોદરાના અગ્રણી શૈક્ષણિક સંકુલ બી.આર.જી. (BRG) ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્વપ્નદ્રષ્ટા અને આદ્યસ્થાપક બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક જવાબદારીના વિવિધ કાર્યક્રમો યોજી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ અને ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા અભિયાન’ સાથે દિવ્યાંગ પરિવારોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન ભેટ આપી બકુલેશ ગુપ્તાજીના આદર્શોને જીવંત રાખ્યા.


પુણ્યતિથિ નિમિત્તે તમામ શાળાઓમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને યુવા પેઢીને સમાજ સેવા અને શિસ્તનો સંદેશ આપવામાં આવ્યો. ઊર્મિ સ્કૂલ ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓએ વોર્ડ નં. 3ના સફાઈ કર્મચારીઓને ફૂલ અર્પી તેમની સેવાઓને સન્માનિત કર્યા બાદ સમા તળાવ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી. વિદ્યાર્થીઓએ તળાવની આસપાસનો કચરો એકત્રિત કરી વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો.
બીજી તરફ, ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા દિવ્યાંગ પરિવારોને સિલાઈ મશીન અર્પણ કરી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય હેતુ પરિવારોને સ્વાવલંબન તરફ દોરી સન્માનપૂર્વક જીવન જીવવામાં સહાયરૂપ થવાનો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફે કર્માંજલિ દ્વારા બકુલેશ ગુપ્તાજીની સ્મૃતિને જીવંત રાખી.
બી.આર.જી. ગ્રુપના સંચાલક મંડળના જણાવ્યા અનુસાર, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પુસ્તક જ્ઞાન સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના વિકસે છે. ગ્રુપ હંમેશા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે માનવીય અને સામાજિક અભિગમ ધરાવતા કાર્યક્રમો માટે આગવું સ્થાન ધરાવે છે.
આ પ્રસંગે વોર્ડ 3ના કાઉન્સિલર ડો. રાજેશ શાહ, છાયા ખરાદી, બી.આર.જી. ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સી.એમ.ડી. સરગમ ગુપ્તા, ઊર્મિ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર તથા ગુજરાત પબ્લિક સ્કૂલના ડિરેક્ટર અપેક્ષા પટેલ અને અભિલાષા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top