એક સમય હતો કે જ્યારે આખા દેશમાં નસબંધી માટે સરકારી યોજનાઓ ચાલતી હતી. નસબંધી કરાવનારને સરકાર તરફથી નાણાં આપવામાં આવતાં હતા. ‘અમે બે અમારા બે’ તેવો નારો લગાડાતો હતો. લોકો ઓછા બાળકો પેદા કરે તે માટે પ્રચારાત્મક ઝુંબેશ ચાલતી હતી. ગુજરાતમાં તો બેથી વધુ બાળકો હોય તો તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી નહીં શકે તેવો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો.
અન્ય રાજ્યોમાં પણ આવા કાયદાઓ બન્યા હતા પરંતુ આશરે ત્રણેક દાયકા પહેલાની આ સ્થિતિમાં હવે 360 ડિગ્રીનો વળાંક આવ્યો છે. આખા વિશ્વમાં વસતીવધારો હવે ઘટાડા તરફ જઈ રહ્યો છે. મોતની સામે જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે. અનેક દેશોમાં વૃદ્ધો વધી રહ્યા છે અને યુવાનો ઘટી રહ્યા છે.જે ચીનમાં એક જ બાળકનો કાયદો હતો તે ચીનમાં વસતીનો ઘટાડો શરૂ થઈ ગયો છે. ચીને પણ વધુ બાળકો પેદા કરવા માટે લોકોને સમજાવવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં હાલમાં વિશ્વની સૌથી વધુ વસતી છે પરંતુ આગામી વર્ષોમાં ભારતમાં પણ વસતીમાં ઘટાડો શરૂ થઈ જશે.
ઘટતી વસતી હાલના તબક્કે વસ્તીવધારો અને તેના કારણે ઊભી થતી સમસ્યાઓની સરખામણીમાં એક ભવિષ્યના પડકાર તરીકે જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય રિપોર્ટ્સ મુજબ, ભારતની વસ્તી વર્ષ 2060ના દાયકાની શરૂઆતમાં 1.7 બિલિયન (170 કરોડ) સુધી પહોંચ્યા બાદ તેમાં ઘટાડો શરૂ થવાની શક્યતા છે. કેટલાક અંદાજો મુજબ, સદીના અંત સુધીમાં (વર્ષ 2100 સુધીમાં) ભારતની વસતી ઘટીને 100 કરોડથી 109 કરોડ જેટલી થઈ શકે છે. ભારતમાં કુલ પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. જો આ દર રિપ્લેસમેન્ટ લેવલ (2.1) થી નીચે જાય, તો વસ્તી લાંબા ગાળે ઘટવા લાગે છે.
આ આર્થિક અને સામાજિક સંતુલન માટે ચિંતાનો વિષય બની શકે છે. જો વસ્તીમાં ઘટાડો થાય, તો યુવાનોની સરખામણીએ વૃદ્ધોની સંખ્યા વધી જાય છે. આનાથી દેશની કાર્યકારી શક્તિ ઘટે છે અને આરોગ્ય સેવાઓ તથા પેન્શન પર બોજ વધે છે. વસ્તી ઘટવાથી બજારમાં માંગ ઘટી શકે છે અને ઉત્પાદકતા પર પણ અસર પડી શકે છે. વસતી ઘટાડાની આ ભવિષ્યની ચિંતાજનક સ્થિતિને ધ્યાને લઈને હવે સરકારો દ્વારા સંતાનોના મામલે કુણું વલણ અપનાવવાની સાથે પ્રોત્સાહક જાહેરાતો કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
જે રાજસ્થાનમાં બેથી વધુ બાળકો ધરાવનારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી દૂર રાખવામાં આવતા હતા તે રાજસ્થાનમાં હવે બેથી વધુ બાળકો હશે તો પણ ચૂંટણી લડી શકશે તેવો કાયદામાં સુધારો કરાઈ રહ્યો છે. આજ સ્થિતિ આંધપ્રદેશમાં પણ છે. આંધ્ર પ્રદેશમાં વસ્તીના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. વર્ષ 1993માં રાજ્યનો પ્રજનન દર 3 ટકા હતો, જે હવે ઘટીને માત્ર 1.5 ટકા રહી ગયો છે. જો હાલનો ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો 2047 સુધીમાં રાજ્યમાં વૃદ્ધોની વસ્તી 23 ટકા સુધી પહોંચી શકે છે. જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહેશે તો આંધ્ર પ્રદેશને પણ જાપાન, દક્ષિણ કોરિયા અને ઈટાલીની જેમ ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આંધ્રપ્રદેશમાં ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક ‘બેબી પોલિસી’ લાવી રહી છે.
આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. માર્ચ 2026ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી તેનો અમલ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડ્રાફ્ટ મુજબ મળવાપાત્ર લાભો અનુસાર, ત્રીજા બાળકના જન્મ પર પરિવારને 25,000 રૂપિયાની તાત્કાલિક નાણાકીય સહાય મળશે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1,000 રૂપિયા સીધા ખાતામાં જમા કરવામાં આવશે. ત્રીજું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવશે. માતાને 12 મહિનાની પ્રસૂતિ રજા અને પિતાને 2 મહિનાની પિતૃત્વ રજા આપવાની જાહેરાત કરાઈ છે.
આંધ્રપ્રદેશમાં હાલ દર વર્ષે અંદાજે 6.70 લાખ બાળકો જન્મે છે, જેને વધારવા માટે આ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આંધ્ર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જે રાષ્ટ્રીય પોલિસીથી વિપરીત વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હોય. આંધ્રપ્રદેશની આ સ્થિતિ હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ સરકારોએ આવી યોજનાઓ લાવવી પડશે. જો સરકારો નહીં જાગે તો ભવિષ્યમાં ભારત પણ જાપાનની જેમ વૃદ્ધોનો દેશ બની જશે તે નક્કી છે.