જાંબાજ ફાયરમેન ગણેશ નિઝામાએ જીવના જોખમે ઝાડ પર ચઢી અબોલ પક્ષીનો જીવ બચાવ્યો; ફાયર ટીમની કામગીરીને પક્ષીપ્રેમીઓએ બિરદાવી.


વડોદરા: શહેરમાં અબોલ જીવોની વહારે આવતી ફાયર બ્રિગેડની ટીમે આજે વધુ એક માનવતાવાદી કાર્ય કર્યું છે. વડોદરાના જાણીતા કમાટીબાગ વિસ્તારમાં આવેલા બાલભવનની સામે એક ઘટાદાર વૃક્ષ પર ઊંચાઈએ ફસાયેલી સમડીને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે હેમખેમ બચાવી લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડીવાડી ફાયર સ્ટેશનને એક મેસેજ મળ્યો હતો કે કમાટીબાગ બાલભવનની સામે આવેલા એક વૃક્ષ પર અંદાજે 30 થી 35 ફૂટની ઊંચાઈએ એક સમડી ફસાઈ ગઈ છે. પક્ષી દોરીમાં કે અન્ય કોઈ રીતે ગુંચવાઈ ગયું હોવાથી તે ઉડી શકતું નહોતું અને જીવ બચાવવા તરફડિયાં મારી રહ્યું હતું.
ઘટનાની જાણ થતા જ વડીવાડી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાંબાજ ફાયરમેન ગણેશ નિઝામાએ હિંમતપૂર્વક ૩૫ ફૂટની ઊંચાઈએ પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત અને ચોકસાઈપૂર્વક કામગીરી કરી ગણેશ નિઝામાએ ફસાયેલી સમડીને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.
ફાયર બ્રિગેડની આ ત્વરિત કામગીરીને કારણે પક્ષીનો જીવ બચી જતા સ્થાનિકો અને પક્ષીપ્રેમીઓએ ફાયર ટીમની કામગીરીને બિરદાવી હતી.