ફાજલપુર નજીક હાઈવે પર માનવ માંસના લોચા ઉડ્યા, છિન્નભિન્ન દેહ જોઈ રાહદારીઓના કાળજા કંપી ગયા
નંદેસરી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો, મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરા :- અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર આજે વડોદરાના ફાજલપુર ગામ નજીક એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે બાઈક સવારોને પાછળથી જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈને હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફાજલપુર ગામ પાસેથી એક મોટરસાયકલ પર ત્રણ વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ધસમસતા આવતા એક ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. ટ્રકનું વ્હીલ ફરી વળતા બે સવારોના શરીરના ફૂરચા ઉડી ગયા હતા અને હાઈવે પર માંસના લોચા વિખરાયેલા જોવા મળ્યા હતા. આ ભયાનક દુર્ઘટના વચ્ચે માનવતાને હચમચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે હાજર એક મહિલા પોતાના સ્વજનના લોહીલુહાણ દેહને પકડીને હૈયાફાટ રુદન કરી રહી હતી.
મહિલાની ચીસો અને “આમને ઉઠાવો, નહીંતર મરી જશે” તેવા કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યાં હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. અકસ્માતમાં ત્રીજા સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગ પણ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દીકરીની સગાઈ માટે છોકરો જોવા જતા હતા ને અકસ્માત નડ્યો.
દંપતી ઉમેદભાઈ અને સુધાબેન તેમની દીકરીની સગાઈ માટે છોકરો જોવા રાયકા ગામ ખાતે બાઇક જવા નિકળ્યા હતા. ઉમેદભાઈ તેમના પત્ની અને સાસુ સાથે રાયકા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેથી સાસુ મધુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમેશભાઈને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે સુધાબેનને સારવા માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તમે સારવાર ચાલી રહી છે. ઉમેદભાઈ અને સુધાબેનને કુલ ચાર સંતાનો છે. જેમાંત્રણ દીકરી અને એક દીકરો છે.
મૃતકના નામ
ઉમેદભાઈ કનુભાઈ પરમાર (મૃતક): (ઉંમર 46 વર્ષ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ)
મધુબેન ધુરાભાઈ ગામીત (મૃતક): રહે. કાછલાપુરા, વાસદ, જી. આણંદ) (ઉમેદભાઈના સાસુ)
ઇજાગ્રસ્તનું નામ
સુધાબેન ઉમેદભાઈ પરમાર રહેવાસી: રાજુપુરા ગામ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ) હાલ આણંદની ‘સ્મિત હોસ્પિટલ’માં સારવાર હેઠળ છે.