Sukhsar

ફતેપુરા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર તથા પુરવણી બિલના નાણાં નહીં ચુકવાતા રોષ

શિક્ષકોને આઠ થી દશ માસ થવા છતાં નાણા નહીં ચૂકવ્યા હોવાની બૂમો*

( પ્રતિનિધિ ) સુખસર,તા.12

પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને સરકાર દ્વારા પગાર મોંઘવારી તફાવત,ઉચ્ચતર પગાર તફાવત જેવા હકના નાણાં ચૂકવવા આદેશ કરવામાં આવે છે.પરંતુ ફતેપુરા તાલુકામાં સ્થાનિક જવાબદારો દ્વારા સરકારના આદેશની અવગણના કરી આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું શિક્ષક આલમમાં ચર્ચાઇ રહ્યું છે.જેમાં તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોને છેલ્લા આઠ થી દસ માસનો સમય વીતવા છતાં ઉચ્ચતર પગાર તફાવતના નાણાં તથા પગાર ચૂકવણી બિલના નાણા નહીં ચુકવાતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ નાણાં શિક્ષકોને વહેલી તકે ચુકવી આપવામાં આવે તેવી શિક્ષક આલમની માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા શિક્ષકોને છેલ્લા આઠથી દશ માસનો સમય થવા છતાં ઉચ્ચતર પગાર તફાવતના નાણા તથા પગાર પુરવણી બિલના નાણાં નહીં ચૂકવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.બીનાના બાળકોના શિક્ષણ માટે કામ કરતા શિક્ષકોને સરકાર તરફથી તેમને પગાર મોંઘવારી તફાવત, ઉચ્ચતર પગાર તફાવત જેવા હક્કના નાણાં ચૂકવવા આદેશ કરવામાં આવે છે. આ કર્મચારીઓને સમયસર તેમને મળવાપાત્ર નાણાં મળી રહે તેવો સરકારનો હેતુ હોય છે. સરકાર તરફથી પત્ર વ્યવહાર કરવામાં આવે છે.પરંતુ ફતેપુરા તાલુકામાં મહિનાઓ વિતવા છતાં શિક્ષકોને નાણાં નહીં ચુકવાતા શિક્ષકો દ્વિધામાં મુકાયેલા છે. હજી કેટલો સમય લાગશે?તેવી ચર્ચાઓ કરી રહ્યા છે.જ્યારે સ્થાનિક લાગતા-વળગતા અધિકારીઓ સાથે પૂછપરછ કરતા સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી,ગ્રાન્ટ આવે ત્યારે નાણાં ચૂકવી આપવામાં આવશે તેવા આશ્વાસનો આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ત્યારે પ્રશ્ન એ થાય કે આઠથી દશ માસ થવા છતાં ગ્રાન્ટ નહીં આવે તે કેટલા અંશે વ્યાજબી છે? આ બાબતે તાલુકાના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે કેમ, તેવી પણ ચર્ચા થઈ રહી છે.જોકે શિક્ષકને એક ટપાલ બાકી રહી જાય તો વારંવાર આદેશ કરવામાં આવે છે.પણ શિક્ષકના આ નાણાં માટે કોઈને દરકાર ન હોય તેવી શિક્ષકો પ્રતીતિ કરી રહ્યા છે.ત્યારે શિક્ષકોને મળવા પાત્ર ઉચ્ચતર પગારના નાણા તથા પુરવણી બિલના નાણાં ચૂકવી આપવામાં આવે તેવી બાકી રહી ગયેલા શિક્ષકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top