દૂષિત પાણી આવતા લોકો નર્કાગારભર્યું જીવન નિર્વાહ કરવા મજબુર :
નવી લાઈન નાખી આપવામાં નહીં આવે તો અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાની ચીમકી ઉચ્ચારી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ફતેપુરા ખત્રીવાડમાં છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરના કારણે લોકોના ઘરોમાં દૂષિત પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ નહીં આવતા મહિલાઓએ એકત્ર થઈ તંત્ર સામે બળાપો કાઢી નવી પાણીની લાઈન નાખી આપવા માંગણી કરી હતી.

ખત્રીવાડમાં રહેતા અસમાબાનુએ જણાવ્યું હતું કે, અમારી માંગણી એ છે કે, આ વિસ્તારમાં નવી લાઈન જોઈએ છે. હાથીખાના ખત્રીવાડ વિસ્તારમાં વારે ઘડીએ ગટરો ઉભરાઈ જાય છે. કોઈ જોવા આવતું નથી. ઓનલાઈન કમ્પ્લેન કરીએ છે, તો માત્ર આવીને પ્રેશર મારી અને જતા રહે છે અને બીજા દિવસે જેવું છે તેવું ને તેવું જ થઈ જાય છે. નાના નાના બાળકો છે માંદા થાય બીમારીમાં સપડાય તો એની જવાબદારી કોણ લેશે. ઘરમાં જ્યારે ન્હાવા બેસીએ ત્યારે એવું લાગે કે ગટરના પાણીથી અમે નાહી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી અહીંયા ગટરો ઉભરાય છે, પણ કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી.

મેધા દુધવાલાએ જણાવ્યું હતું કે,અમારા ખાવાના પાણીમાં પીવાના પાણીમાં દુર્ગંધ મારી રહી છે. નાના બાળકોને કમળો ઝાડા ઉલટી જેવા રોગો થઈ જશે, તો સરકાર જવાબદારી લેશે ? અમારી નમ્ર વિનંતી છે કે, અમને નવી લાઈન જોઈએ જેથી કરીને અમારા બાળકો અને અમે સ્વસ્થ રહીએ. ખૂબ જ ગંદુ પાણી આવે છે. ગટર મિશ્રિત પાણી આવે છે. જેનો ઉપયોગ અમે કશે કરી શકતા નથી. અમારી માંગણી છે કે, આખા વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખી આપવામાં આવે. જેથી કરીને આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવે.
