Sukhsar

ફતેપુરાના વાંસીયાકુઈ તળ ગામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી અન્ય જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન થતા સ્થાનિકોનો વિરોધ

ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે ઠરાવ કરી બે કિલોમીટર દૂર આંગણવાડી લઈ જઈ બાળકોને લાભોથી વંચિત રાખવાની કોશિશ, ગ્રામજનોનો આક્રોશ

*વર્ષોથી વાંસીયાકુઈ તળગામ ખાતે ચાલતી આંગણવાડીની જગ્યાએજ નવીન બાંધકામ કરવા ગ્રામજનોની માંગ*

( પ્રતિનિધિ ) સુખસર

ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોનો મનસ્વીપણાથી જવાબદારો દ્વારા વહીવટ ચલાવાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠે છે.જેમાંએ ખાસ કરીને આંગણવાડીમાં બાળકોની સંખ્યા,મેનુ પ્રમાણે ભોજન,ગર્ભવતી તથા ધાત્રી માતાઓના લાભો,ગરમ નાસ્તો,ફળફળાદી વિગેરેમાં મોટાપાયે ગેરરિતી આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે. તેમજ કેટલીક જગ્યાએ ગણ્યા-ગાંઠ્યા સ્થાનિક લોકો દ્વારા પક્ષાપક્ષી અથવા અંગત કારણોસર આંગણવાડી દ્વારા મળતા લાભોથી સ્થાનિક બાળકોને વંચિત રાખવાના કારસા ધડાતા હોય તેવી બાબતો પણ બની રહી છે. ફતેપુરા તાલુકાના વાસયાકુઈ ગામે તળગામ ફળિયામાં વર્ષોથી આંગણવાડીના પોતાના મકાનમાં આંગણવાડીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અને ગ્રામજનોના જણાવ્યા મુજબ તળગામ ફળિયાના બાળકો માટે આ આંગણવાડી કેન્દ્ર યોગ્ય છે.પરંતુ આ આંગણવાડી કેન્દ્રનું મકાન હાલ જર્જરિત થતા આંગણવાડીનું નવીન મકાન બાંધકામ કરવામાં આવનાર છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્ર હાલના આંગણવાડી કેન્દ્રથી બે કિલોમીટર દૂરના અંતરે અને વાંસિયાકુઈ ગામની સરહદ ઉપર છેવાડે બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા વાંસીયાકુઈ તળગામ ફળિયાના સ્થાનિક લોકો દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે તળગામ ફળિયાની આંગણવાડી કેન્દ્ર બે કિલોમીટર દૂર ભાભોર ફળિયામાં રાખવામાં આવે તો હાલ જે તળગામ ફળિયા આંગણવાડી કેન્દ્રમાં બાળકો જઈ રહ્યા છે તેઓને મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે.તેમજ ભાભોર ફળિયામાં આંગણવાડી કેન્દ્ર બાંધવામાં આવે તો વચ્ચે કોતર પણ નડતરરૂપ થાય તેમ છે.તેમજ તળગામ આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકો ભાભોર ફળિયા સુધી નહીં જતા મોટા ભાગના બાળકો આંગણવાડીના લાભથી વંચિત રહે તેમ હોય ગ્રામજનોએ વાંસીયાકુઈ તળગામ ફળિયામાં ચાલતી આગણવાડી કેન્દ્ર ની જગ્યા ઉપરજ નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરતી રજૂઆત તાલુકા-જિલ્લા કક્ષાએ મોકલી આપેલ હોવાનું અને સ્થાનિક લોકોની માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિધ્યો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

*વર્ષોથી ચાલતી આંગણવાડી બે કિલોમીટર દૂર લઈ જઈ લાભાર્થીઓને લાભથી વંચિત રાખવાની ચાલ છે*

અમારા વાંસીયાકુઈ ગામના તળ ગામમાં વર્ષોથી આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવેલ છે.અને જે જમીન માલિકે આંગણવાડી બાંધકામ માટે જમીન આપી છે તેમનો પણ કોઈ વાંધો વિરોધ નથી.તેમ છતાં હાલમાં અમારા ફળિયાની આંગણવાડી કેન્દ્ર બે કિલોમીટર દૂર લઈ જવા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.જેની સ્થાનિક લોકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર આ નિર્ણય કરેલ છે. અમોએ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરેલ છે. અમારા બાળકોને અન્યાય થાય છે તેના માટે અમારો વિરોધ છે.અને હાલ જે જગ્યાએ આગણવાડી કેન્દ્રનું મકાન છે તે પાડી તેજ જગ્યાએ નવીન આગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવે તેવી અમારી માંગ છે.અમારી માંગ નહીં સંતોષાય તો અમોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
*(બાબુભાઈ સળુભાઇ ચંદાણા, વાંસીયાકુઈ,તળગામ ફળિયા સ્થાનિક)*

*સરકારી જમીન મળતી હોય ત્યાં ખાનગી જમીન ઉપર આંગણવાડીનું બાંધકામ યોગ્ય નથી:સી.ડી.પી.ઓ*

વાંસીયાકુઈ તળગામ ફળિયામાં ચાલતી આંગણવાડી કેન્દ્ર ખાનગી માલિકીની જગ્યા ઉપર કાર્યરત છે. તેમજ જર્જરીત હાલતમાં છે.જેથી નિયમોનુસાર સરકારી જમીન મળતી હોય ત્યાં સુધી ખાનગી જમીન ઉપર નવીન આંગણવાડીનું કેન્દ્રનું બાંધકામ કરવું યોગ્ય જણાતું નથી.તેમજ ભાભોર ફળિયામાં આંગણવાડીનું બાંધકામ કરવામાં આવે તો કોઈ લાભાર્થી લાભથી વંચિત રહે તેવી શક્યતા જણાતી નથી.વાંસીયાકુઈ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સરકારી જમીન ફાળવી આપવા અંગેનો ઠરાવ કરવામાં આવેલ છે.અને ત્યાં નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવું યોગ્ય છે.
**સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી,ફતેપુરા-2)*

Most Popular

To Top