( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદડા શહેરના ફતેગંજ મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે કોર્નર પર ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવી લેતા જાનહાનિ થતા ટળી હતી.

વડોદરા શહેરના ફતેગંજ ચાર રસ્તા ખાતે મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે મુખ્ય માર્ગ ઉપર આવેલી ડ્રેનેજમાં મોટા ધડાકા સાથે આગ લાગી હતી. રોડ પર આવેલી ગટરમાંથી આગની અગન જ્વાળાઓ નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જમાદાર તિલકસિંગ રાઠોડે જણાવ્યું હતું કે, નરહરિ હોસ્પિટલ સામે ચાર રસ્તા પર ગટર લાઈનમાં આગ લાગી હતી. અમે આવીને કામગીરી કરી હતી. ગટરમાં બ્લાસ્ટ પણ થયો હતો. નજીકમાંજ પંપિંગ સ્ટેશન આવેલું છે. આગ પર કંટ્રોલ કરી લીધો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. અમે આવ્યા ત્યારે, ફૂલ ફ્લેમ સાથે ગટરમાંથી ગેસ સળગી રહ્યો હતો. ગટર ગેસ હોય છે જે જ્વલંતશીલ હોય છે. કોઈની અવરજવર દરમિયાન સ્પાર્ક થયો હશે, એટલે આગ પકડાઈ ગઈ હતી. કોઈ નુકસાન થયું નથી…
