મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના કેમ્પમાં વ્યવસ્થાના અભાવે અરજદારો હેરાન; નાગરિકોની સુવિધા માટે તંત્ર નિષ્ફળ
વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન રવિવારે ફતેગંજ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારીને છતી કરતી એક દુખદ ઘટના સામે આવી છે. ફતેગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં છેલ્લા બે કલાકથી લાઇનમાં ઊભેલા એક યુવકને અચાનક ખેંચ આવતાં તે જમીન પર ઢળી પડ્યો હતો, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવાર હોવાથી મતદારયાદી સુધારણાના કામ માટે મોટી સંખ્યામાં અરજદારો ઉમટ્યા હતા. ફતેગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં યોજાયેલા કેમ્પમાં વ્યવસ્થાના અભાવે અરજદારોની લાંબી કતારો લાગી હતી. આ જ કેમ્પમાં આવેલા એક યુવક પોતાના નંબરની રાહ જોઇને લગભગ બે કલાકથી સતત ઊભો હતો. લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે યુવકની તબિયત અચાનક લથડી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, યુવકને અચાનક ખેંચ આવવાની શરૂઆત થઈ હતી અને તે ચક્કર ખાઈને નીચે જમીન પર પટકાયો હતો. પડવાના કારણે યુવકના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને ઘટનાસ્થળે જ લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે કેમ્પમાં તાત્કાલિક નાસભાગ મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેના માથાની ઇજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સારવાર ચાલી રહી છે.
આ ઘટના બાદ કેમ્પમાં ઉપસ્થિત અન્ય અરજદારોમાં ચૂંટણી અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે, “મતદારયાદી સુધારણા જેવા મહત્ત્વના કાર્યક્રમમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યાં તંત્ર દ્વારા અરજદારો માટે બેસવા માટે પૂરતી ખુરશીઓ કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી.” લોકો બે-બે કલાક સુધી કાળઝાળ ગરમીમાં ઊભા રહીને હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
લાંબી લાઇનો, બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધાના અભાવે જ યુવકની તબિયત લથડી હોવાનું અને તેને ગંભીર ઈજા થઈ હોવાનું અરજદારો માની રહ્યા છે. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે મહત્ત્વના સરકારી કેમ્પમાં પણ નાગરિકોની સુવિધા પ્રત્યે વહીવટી તંત્ર કેટલી હદે બેદરકાર છે.
નાગરિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે તમામ કેન્દ્રો પર યોગ્ય બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને વહીવટી વ્યવસ્થામાં સુધારો કરવાની પ્રબળ માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને.