વર્ષોથી વેરો ન ભરનારાઓ સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સીધી કાર્યવાહી
(પ્રતિનિધિ), વડોદરા | તા. 6
વડોદરા મહાનગરપાલિકાએ વર્ષોથી મિલકત વેરો ન ભરનારાઓ સામે હવે કોઈ નરમાશ ન રાખતા કડક કાર્યવાહીનો આરંભ કર્યો છે. આ કાર્યવાહીની શરૂઆત ફતેગંજ વિસ્તારમાં આવેલી **શાનેન સ્કૂલ (GSEB)**થી કરવામાં આવી છે, જેને અંદાજે રૂ. 23 લાખથી વધુના બાકી મિલકત વેરાના કારણે પાલિકા દ્વારા સીલ મારવામાં આવી છે.
કડકાઇથી કામ કરવા માટે જાણીતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના સીધા આદેશ બાદ આજથી વેરા બાકીદારો સામે મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર-2 ફતેગંજ વિસ્તારમાં આવેલી શાનેન સ્કૂલ લાંબા સમયથી વેરો બાકી રાખી રહી હોવા છતાં પાલિકાની નોટિસોને અવગણતી હોવાનું જણાવાય છે, જેના પગલે અંતે સીલની કાર્યવાહી કરાઈ છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે, આ સ્કૂલના સંચાલક સુનિલ દલવાડીને રાજકીય ટેકો હોવાનું શહેરમાં ચર્ચાતું રહ્યું છે. તેમ છતાં પાલિકાએ કોઈપણ પ્રકારના દબાણને બાજુ પર રાખી કાર્યવાહી કરતા હવે વેરા બાકી ધરાવનાર અન્ય મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે.
જો કે, શાળાને સીલ મારતા જ શાનેન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. બાળકોનું ભવિષ્ય શું? શું પાલિકા વાલીઓની મુશ્કેલીને ધ્યાને લઈ કોઈ અસ્થાયી વ્યવસ્થા કરશે કે પછી સંપૂર્ણ બાકી વેરાની ચૂકવણી બાદ જ સ્કૂલ ખોલવામાં આવશે – તે મુદ્દે સ્પષ્ટતા થઈ નથી.
આ સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં ચિંતા અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં વાલીઓ દ્વારા બાળકોના ભણતરનું નુકસાન ન થાય તે માટે પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે નહીં, તે જોવાનું રહ્યું.
એક વાત સ્પષ્ટ છે કે, શાનેન સ્કૂલ પર સીલ મારીને પાલિકાએ સંદેશ આપી દીધો છે કે હવે વેરા મુદ્દે કોઈને પણ છૂટછાટ મળશે નહીં.