વાસદની ઘટના, પત્નીએ છુટાછેડા માટે અડધી મિલકત માગતા પતિ ઉશ્કેરાયો
(પ્રતિનિધિ) આણંદ તા.7
આણંદના વાસદ ગામમાં પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. જોકે, સમાજના આગેવાનોએ વચ્ચે પડી પરિણીતાને પરત લાવ્યાં હતાં અને સમાધાન કરી તેના પતિ સાથે મોકલી આપી હતી. જોકે, બન્ને પતિ – પત્ની વચ્ચે બીજા દિવસે છુટાછેડા બાબતે ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ અડધી મિલકત માંગતાં પતિએ ગળુ દબાવી હત્યા કરી હતી. આ અંગે વાસદ પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો હતો.
આણંદના વાસદ ગામમાં આવેલી ભાવીન સોસાયટીમાં રહેતાં જીગ્નેશ કાંતિભાઈ પટેલ તેમના પત્ની ભાવિકાબહેન, પુત્ર નક્ષ (ઉ.વ.6) અને તેમના માતા તારાબહેન સાથે રહેતાં હતાં. દરમિયાનમાં ભાવિકાબહેનને ઘર નજીક રહેતાં ક્રિશ્નાદાસ ભગવાનદાસ રામાનંદી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને 31મી મે, 2025ના રોજ ઘરેથી કોઇને કહ્યાં વગર નિકળી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી હતી. જેમાં 5મી જૂન, 2025ના રોજ ભાવિકાબહેન અને ક્રિશ્નાદાસ પોલીસ સ્ટેશન પર હાજર રહ્યાં હતાં. જોકે, સમાજના આગેવાનોએ સમજાવટથી કામ લઇ સમાધાન કરાવી ભાવિકાબહેનને તેમના પતિ જીગ્નેશ સાથે ઘરે મોકલી આપ્યાં હતાં. દરમિયાનમાં 6ઠ્ઠી જૂન, 2025ના રોજ સાંજના પાંચેક વાગે ભાવિકાબહેનનું મોત થયાંનું બહાર આવ્યું હતું.
વાસદ પોલીસે જીગ્નેશની ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં ભાવિકાબહેનનું ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે, સવારના આશરે છ વાગે ભાવિકા સાથે છુટાછેડા બાબતે વાતચીત કરી હતી. જેમાં તેણે કોર્ટમાં છુટાછેડા બાબતે હા પાડી હતી. પરંતુ છુટાછેડા માટે મિલકતમાં અડધો ભાગ મેળવવા કોર્ટમાં કેસ કરવા તેમજ દિકરા નક્ષને પણ સાથે લઇ જવા વાત કરી હતી. આથી, દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જીગ્નેશે ઉશ્કેરાઇને ભાવિકાનું ગળુ પકડી તેને બેડ પર પાડી દઇ ગળું દબાવી મોત નિપજાવી, રૂમનો દરવાજો બંધ કરી ખેતરમાં જતો રહ્યો હતો. બાદમાં બપોરના બારેક વાગે ઘરે પરત આવી ઓળખીતાને ભાવિકાના મોત અંગે જાણ કરી હતી. આથી, પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જાણ કરવાનું કહેતાં જીગ્નેશ પોલીસ મથકે આવ્યો હતો અને પત્નીના મોત બાબતે જાણ કરી હતી. આથી, પોલીસ તેને ઘરે પરત લાવી હતી અને લાશના નિરીક્ષણ કર્યા બાદ હકિકત સાચી હતી. આ અંગે વાસદ પોલીસે ભાવિકાબહેનની હત્યા સંદર્ભે તેના પતિ જીગ્નેશ કાંતિ પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.