પ્રેમીએ મંદિરમાં બહેનપણીઓ સામે લાફો મારતા કિશોરી વ્યથિત બની
પિતાની ફરિયાદ આધારે પ્રેમી વિરુદ્ધ ગુનો, પોલીસ તપાસ તેજ
આણંદ |
ખંભાત તાલુકાના રાલજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ૧૫ વર્ષીય સગીર કિશોરીએ જાહેર અપમાનથી વ્યથિત થઈને આત્મહત્યા કરી લીધી છે. પ્રેમીએ જાહેરમાં લાફો મારી ફજેતી કરતા કિશોરી મનમાં ઘેરું દુઃખ લઈ પોતાના જીવનનો અંત લાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાલજ ગામમાં રહેતી કિશોરી ગત તા. ૨૨ના રોજ પોતાની બહેનપણીઓ સાથે શિકોતર માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી. તે દરમિયાન તેનો પ્રેમી મહેન્દ્ર ઉર્ફે ગગુ રમેશભાઈ મકવાણા (ઉં.વ. ૧૮) ત્યાં પહોંચ્યો હતો અને મંદિર નજીક જ જાહેરમાં કિશોરીને લાફો મારી અપમાનિત કરી હતી. બહેનપણીઓની હાજરીમાં થયેલા આ અપમાનથી કિશોરી અત્યંત વ્યથિત થઈ ગઈ હતી.
બીજા દિવસે તા. ૨૩ના રોજ કિશોરીએ પોતાના ઘરના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ખંભાત રૂરલ પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કિશોરીના પિતાએ મોબાઈલ ચકાસતા મળેલા મેસેજ પરથી પ્રેમસંબંધનો ખુલાસો થયો હતો. પિતાની ફરિયાદના આધારે ખંભાત રૂરલ પોલીસે મહેન્દ્ર ઉર્ફે ગગુ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસ વધુ તેજ કરી છે.