Vadodara

પ્રેમમાં પાગલ પરિણીતાએ પતિ–બે બાળકોને છોડ્યા

વડોદરામાં 181 અભયમની સમજથી બચ્યું પરિવાર
વડોદરા | તા. 24
વડોદરા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પતિ હયાત હોવા છતાં અને બે માસૂમ સંતાનોની જવાબદારી હોવા છતાં એક પરિણીત મહિલા સોસાયટીમાં રહેતા અન્ય પુરુષ સાથે પ્રેમસબંધ બાંધી ઘર છોડીને ભાગી ગઈ હતી. પ્રેમમાં પાગલ બનેલી મહિલાએ પાંચ દિવસ સુધી પ્રેમી સાથે ઘર છોડીને મહારાષ્ટ્રમાં સમય વિતાવ્યો હતો.
આ ઘટનામાં સૌથી મોટી ચિંતા બે માસૂમ બાળકોના ભવિષ્યને લઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી મહિલાની જેઠાણીએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરી મદદ માગી હતી. જાણ થતાં જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલા તેમજ તેના પ્રેમીનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.
અભયમની મહિલા કર્મચારીઓએ પ્રેમીને કાયદાકીય સમજ આપતાં જણાવ્યું હતું કે મહિલાના હજી છૂટાછેડા થયા નથી, જેથી તમે તેના સાથે લગ્ન કરી શકતા નથી. જો મહિલાનો પતિ તમારા વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરે તો તેમાં કાયદેસર સજા પણ થઈ શકે છે. સાથે જ પ્રેમીને સમજાવવામાં આવ્યું હતું કે તેના કારણે બે બાળકોનું ભવિષ્ય બગડવું ન જોઈએ.
કાયદાકીય પરિણામોની સમજ મળતાં પ્રેમીએ પરિણીતાને સાથે રાખવા ઇનકાર કરી દીધો હતો. પ્રેમીએ તરછોડી દેતા પરિણીતાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી પતિ અને બાળકો સાથે પાછા જવા સંમતિ આપી હતી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન કરવાનું પણ ખાતરીપૂર્વક જણાવ્યું હતું.
આ ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે ક્ષણિક લાગણીઓ અને ખોટા નિર્ણયો આખા પરિવારના જીવનને જોખમમાં મૂકી શકે છે, ત્યારે 181 અભયમ જેવી સેવાઓ અનેક પરિવારોને તૂટતા અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Most Popular

To Top