‘ફ્રેન્ડશીપ ડે’ની વાત કરતાં પહેલાં વર્લ્ડ ટુર્નામેન્ટમાં કુસ્તીમાં પ્રિયા મલિકે ગોલ્ડઅને ઓલમ્પિકસમાં વેઇટ લિફ્ટિંગમાં મીરાંબાઇ ચાનુએ સિલ્વર મેડલ મેળવી નારી શકિતનો પરિચય આપ્યો છે. એમને અંતરનાં અભિનંદન. જીત સગવડ, પૈસો કે શહેરની ઓશિયાળી નથી. મનમાં હોંસલો છે તો ગમે તેવાં વિઘ્નો પાર પાડીને જીતી શકાય છે એ આ બંને નારીઓએ બતાવી આપ્યું. આપણે પણ સંજોગોનાં રોંદણાં રડવાને બદલે સપનાંને સાકાર કરવા કટિબધ્ધ બનીએ એવી શુભેચ્છાઓ…
‘ફ્રેન્ડશીપ’ આજની પેઢીનો સૌથી ફેવરિટ વર્લ્ડ… એમના માટે જાન છે તો જહાન છે એવી નહીં પરંતુ ફ્રેન્ડઝ છે તો જહાન છે એવી કહેવત રચવી પડે એટલા તેઓ દોસ્ત અને દોસ્તીના દિવાના છે. દોસ્તી એટલે શું? ગમતી વ્યકિતનો સાથ? ગપ્પાં-ઝઘડા- હરવું-ફરવું કે મજાક મશ્કરી? શેરીંગ અને કેરીંગ? ના, દોસ્તી આ બધાંથી વધુ છે. જેમની સામે કશીય ફરિયાદ વિના, કશાય દંભ વિના કે કશાય છોછ વિના કલાકો વાત કરી શકાય… જયાં વાણી, વર્તનની કોઇ લક્ષ્મણ રેખા નથી છતાં સમજણની અને દરિયાદિલીની એક અદ્રશ્ય રેખા છે. જે મિત્રનાં સુખ-દુ:ખ, મૂડ અને જરૂરિયાત પ્રમાણે સહજ રીતે વધતી-ઘટતી રહે છે. અહીં શબ્દો કયારે મૌન બને અને મૌન કયારે શબ્દો બને એ કહેવાય નહીં.
દોસ્તી એ નિયમ મુજબ ચાલતું મેથ્સ નથી પરંતુ નિયમને નેવે મૂકીને ઉછળતી લાગણીની કવિતા છે. એ જેટલી ખુલ્લી છે એટલી જ અંગત છે. પણ આજકાલ આપણે ઓફિસનાં લોકો, સોશ્યલ મીડિયા પર મળતા લોકો, પાડોશી કે પછી સારા સામાજિક સંબંધો ધરાવતા લોકોને પણ દોસ્તની કેટેગરીમાં મૂકી દીધા છે. થોડી ઓળખાણ થતાં એને દોસ્તીનું લેબલ આપીએ પરંતુ સારા અને સાચા દોસ્તનાં ટોળાં નથી હોતાં. દિલથી દોસ્તીની ગાંઠ તો ગણ્યાં-ગાંઠયા લોકો સાથે જ બંધાય છે. ખડખડાટ હાસ્ય અને ચોધાર આંસુ બંને જયાં મુકતપણે સંભવી શકે, ન ખુશીને ઇર્ષ્યાનો ડર લાગે કે ન આંસુને નબળાઇનું મ્હેણું લાગે…
જયાં હાથ ઉપર હોય તો ગર્વ ન થાય અને નીચે હોય તો નાનમ ન લાગે, દુનિયાની ગતાગમ, વ્યવહારોની ગૂંચવણ નાત-જાતનો ભેદભાવ, ઉંમરની મર્યાદા અને ગરીબ-તવંગરની દીવાલ વચ્ચે ન આવે એવો પારદર્શક સરળ-સહજ સંબંધ એટલે દોસ્તી… આવી દોસ્તી જેને મળી હોય તે નસીબદાર… પરંતુ જેમ દરેક દોસ્ત સારા દોસ્ત નથી હોતા એમ દરેક સારા દોસ્તમાં બધાં સારા ગુણો નથી હોતા એટલે દોસ્તીમાં માત્ર અચ્છાઇ નથી જોવાતી… પ્રેમની જેમ એક કેમેસ્ટ્રી હોય છે એમ દોસ્તીની પણ એક કેમેસ્ટ્રી હોય છે. કોલેજમાં ભણતાં અનેક લોકો પૈકી અમુક સાથે જ જામે એનું કારણ આ કેમેસ્ટ્રી છે અને આ કેમેસ્ટ્રી સારા ગુણોને જોઇને નથી પકડાતી…
કોઇ પણ જાતની સમાનતા વિના જેની કંપની ગમે, જેના પર ભરોસો મૂકવાનું મન થાય, જેની સમક્ષ દિલ હળવું કરતાં સંકોચ ન થાય ત્યાં જ દોસ્તીની ગાંઠ બંધાય… બાકી સંબંધોને આપણે દોસ્તીનું નામ આપી દોસ્ત જેવી અપેક્ષા રાખીએ તો દુ:ખી થવાનો વારો આવે. દોસ્તી પરનો ભરોસો ઉઠી જાય એ પહેલાં સંબંધોનાં જાળામાંથી દોસ્તીની દોર ઓળખી લઇએ…
સન્નારીઓ, આપણે પણ ઘણી વાર થોડા સારા સંબંધ હોય અથવા તો સ્વભાવથી સારી હોવાથી સારું વર્તન કરતી હોય એવી વ્યકિતને મિત્ર માનીને ભરોસો મૂકીએ છીએ અને એ તૂટે ત્યારે દુ:ખી થઇએ પરંતુ સાચા મિત્રની ઓળખ હોવી જરૂરી છે જેમ કે-
- – એ તમારા સુખમાં, દુ:ખમાં હંમેશાં હાજર હોય છે.
- – એ કયારેય બહાનાબાજી નથી કરતો. ચોખ્ખી ના પાડતા એ અચકાતો નથી કારણ કે ગેરસમજ થવાનો એને કોઇ ડર લાગતો નથી.
- – એ કોઇ અપેક્ષા નથી રાખતો પરંતુ ઇમરજન્સીમાં એ પહેલાં મિત્રના શરણે જ આવે છે.
- – એ પ્રૂફરીડરની જેમ ભૂલ પણ બતાવે છે અને સારી બાબતની પ્રશંસા પણ કરી જાણે છે.
- – એ પીઠ પાછળ ખોદતો નથી અને કોઇ મિત્ર વિશે ઘસાતું બોલે તો સાંભળતો નથી.
- – એના દિલના અને ઘરના દરવાજા હંમેશાં મિત્ર માટે ખુલ્લા રહે છે.
તમે મિત્ર તરીકે કેટલા ખરા ઊતરો છો એ પહેલાં ચકાસજો અને પછી મિત્રને ચકાસજો… ફરી એક વાર હેપ્પી ફ્રેન્ડશીપ ડે. – સંપાદક