Vadodara

પ્રમુખ પદ માટે કિરણ મોરેને પ્રણવ અમીનનો ખુલ્લો સમર્થનપત્ર

BCA ચૂંટણી પૂર્વે રિવાઇવલ-31 પેનલ તરફથી સભ્યોને અપીલ

વડોદરા (પ્રતિનિધિ):
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. રિવાઇવલ-31 પેનલ તરફથી એસોસિએશનના સભ્યોને સંબોધીને એક ખુલ્લી અપીલ જાહેર કરવામાં આવી છે, જેમાં વર્તમાન પ્રમુખ પ્રણવ અમીને પોતાના કાર્યકાળની સિદ્ધિઓ રજૂ કરતા આગામી પ્રમુખ તરીકે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કિરણ મોરેને ખુલ્લું સમર્થન આપ્યું છે.
આ અપીલમાં પ્રણવ અમીને જણાવ્યું છે કે બરોડા ક્રિકેટ માત્ર એક સંસ્થા નહીં પરંતુ પેઢીઓથી આગળ વધતી વારસાગાથા છે, જેને સ્થિરતા, પારદર્શિતા અને દ્રષ્ટિ સાથે આગળ ધપાવવાની જરૂર છે. પોતાના કાર્યકાળ દરમિયાન રિવાઇવલ ટીમ સાથે મળીને બીસીએને મજબૂત વહીવટી પાયો આપવા પ્રયાસ કરાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
અપીલમાં છેલ્લા કાર્યકાળની મહત્વપૂર્ણ સિદ્ધિઓ તરીકે બીસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું પૂર્ણતા પામવું અને તેમાં 27થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોની સફળ યજમાની, લાંબા સમયથી બાકી રહેલી AGM પૂર્ણ થવાથી BCCIના ફંડ્સ ખુલ્લા થવા, ખેલાડીઓ માટે સુવિધાઓમાં સુધારો અને પુરુષ તથા મહિલા ક્રિકેટરો માટે પેન્શન યોજના શરૂ કરવાનું ઉલ્લેખાયું છે.
પ્રણવ અમીને જણાવ્યું છે કે તેઓ સંતોષ સાથે પદ છોડીને જઈ રહ્યા છે અને બરોડા ક્રિકેટની ગતિ જળવાઈ રહે તે માટે કિરણ મોરે યોગ્ય ઉમેદવાર હોવાનું માને છે. તેમણે સભ્યોને ચૂંટણી દિવસે રિવાઇવલ-31 પેનલના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી છે.

Most Popular

To Top