Vadodara

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધારાના 18.25 કરોડનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે


ભાયલી, સેવાસી અને બીલમાં કુલ 1067 મકાનોના નિર્માણ માટે વધારાનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત રજૂ

વડોદરા મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ભાયલી, સેવાસી અને બીલમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે બનાવાયેલા 1067 મકાનના વધારાના ખર્ચ તરીકે 18.25 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. આ માટે નીતિવિષયક નિર્ણય લેવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ‘હાઉસિંગ ફોર મિશન’ અંતર્ગત શરૂ કરાઈ છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સસ્તા અને સુરક્ષિત મકાન મળવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે.

વર્ષ 2018-2020 દરમિયાન, સયાજીપુરા, અટલાદરા, કલાલી અને ગોત્રીમાં કુલ 2802 મકાન 230 કરોડના ખર્ચે તૈયાર કરાયા હતા. આ મકાનની કિંમતમાં સરકારની ગ્રાન્ટ અને લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ ફાળાની સાથે વધારાના 13.44 કરોડનો ખર્ચ કોર્પોરેશને ઉઠાવ્યો હતો. આગળના તબક્કામાં વર્ષ 2021-22 દરમિયાન ભાયલી, સેવાસી અને બીલ ગામમાં 82.49 કરોડના ખર્ચે 831 મકાન બનાવવામાં આવ્યા હતા. આ મકાનની કુલ કિંમતમાં સહાય અને લાભાર્થીઓના ફાળાની સાથે વધારાના 11.87 કરોડનો ખર્ચ કોર્પોરેશનને ઉઠાવવાનો રહેશે. વડોદરામાં વર્ષ 2022-23 દરમિયાન ભાયલીમાં 236 મકાનો માટે 26.43 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મકાન માટે વધારાના 6.37 કરોડનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે.

વર્ષ 2021-23 દરમિયાન ભાયલી, સેવાસી અને બીલમાં કુલ 1067 મકાનો નિર્માણ પામ્યા છે. આ માટે લાભાર્થીઓ અને સરકારની સહાય ઉપરાંત વધારાના 18.25 કરોડ રૂપિયાનું અનુમાનિત ખર્ચ વડોદરા મહાનગરપાલિકા ઉઠાવશે. આ નાણા મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય, તો PMAY હેઠળ નબળા વર્ગના લોકો માટે વધુ સસ્તા મકાનો ઉપલબ્ધ થશે અને શહેરના હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂતી મળશે.

Most Popular

To Top