વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક બાદ આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવી ટીમની પ્રથમ ‘પરિચય બેઠક’ યોજાઈ હતી. શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ નવા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજયનો સંકલ્પ દોહરાવ્યો હતો.




નોંધનીય છે કે, શહેર અધ્યક્ષ તરીકે ડો. જયપ્રકાશ સોનીના નામની જાહેરાત બાદ લાંબા સમય પછી ગત રાત્રે સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. નવી રચાયેલી આ ટીમમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રી સહિત કુલ મહત્વના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
પ્રથમ બેઠકને સંબોધતાં શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ભાજપમાં પ્રમુખ બન્યા બાદ નવી ટીમની રચના કરવી એ સંગઠનની પરંપરા છે. નવી ટીમના સભ્યો એકબીજાને ઓળખે, સંગઠનાત્મક સમજ વિકસે અને ‘ટીમ વર્ક’ના માધ્યમથી આગામી લક્ષ્યો હાંસલ થાય તે હેતુથી આ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક દરમિયાન હોદ્દેદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં રહીને પ્રજાની વચ્ચે સતત સેવાકીય કાર્યો કરે છે. વોર્ડ નંબર 1 સહિત શહેરની તમામ બેઠકો પર વિજય મેળવીને મહાનગરપાલિકામાં ફરી એક વખત ભગવો લહેરાવવાનો દૃઢ નિશ્ચય કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં મહિલા મોરચા તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓએ પણ નવી જવાબદારી બદલ શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
: ‘મિશન 2026 – 76માંથી 76 સીટો’
વડોદરા ભાજપની નવી ટીમની પ્રથમ બેઠકમાં જ આગામી કોર્પોરેશન ચૂંટણીનો ચૂંટણી હુંકાર સંભળાયો હતો. નવા નિમાયેલા હોદ્દેદારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપ માત્ર 60 કે 70 બેઠકો સુધી સીમિત રહેવાનો નથી, પરંતુ તમામ 76 બેઠકો પર કમળ ખીલાવવાનું લક્ષ્ય રાખીને સંગઠન કામ કરશે.
“અંત્યોદયનો સૂર્યોદય” કરવાના સંકલ્પ સાથે નવી ટીમ હવે પાયાના સ્તરે સંગઠનને વધુ ગતિ આપશે.