માત્ર નોટિસ આપી પાલિકા તંત્ર સંતોષ માણી રહ્યું હોવાના આક્ષેપ
કોમ્પ્લેક્સમાં 95 ટકા ભાડુઆતિઓ,માલિકો જોવા આવતા નથી : કિન્નરીબેન ગાંધી


( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરના પ્રતાપ નગર રોડ પર આવેલ જર્જરિત મેઘદૂત એપાર્ટમેન્ટના બીજા માળેથી બાલ્કનીનો કેટલોક ભાગ અને બારીઓ તૂટીને નીચે પડતા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો મોટો અવાજ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. રજુઆત કરવા છતાં કોર્પોરેશને માત્ર નોટિસો ફટકારી કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.



વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ જર્જરિત મેઘદૂત એપાર્ટમેન્ટમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવન ગુજારવા મજબૂર બન્યા છે. અગાઉ પણ એક વખત એક મકાનની અંદર આખી છત તૂટી પડી હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ અંગે વિસ્તારના કોર્પોરેટર અને કોર્પોરેશન તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ માત્ર કોર્પોરેશન એ નોટિસ ફટકારી હતી. પરંતુ આજ દિન સુધી આ જર્જરિત ઇમારત મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે ફરી ઘટના બની હતી.બીજા માળે મકાનની બાલ્કનીનો કેટલોક ભાગ અને બારીનો મોટો પોપડો તૂટીને નીચે પડ્યો હતો. સદનસીબે તુરંત ખસી જતા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. કોમ્પ્લેક્સમાં રહેતા કિન્નરી બેન ગાંધીએ આ પહેલા પણ એક હોનારત થઈ હતી. એક ઘરમાં આખી છત પડી હતી. તે વખતે પણ કોર્પોરેટરો અને કોર્પોરેશનને જાણ કરી હતી. પણ હજી સુધી કોર્પોરેશન અને બબ્બે વખત નોટિસો આપ્યા પછી પણ કોઈ જોવા આવ્યું નથી. આજે ફરી એક વખત આ ઘટના બની છે. મને એવું લાગ્યું કે બહાર એકસીડન્ટ થયો હશે એટલે હું જોવા નીકળી. જોયું તો મારા ઘરની બાલ્કનીનો જ ભાગ તૂટીને નીચે પડી ગયો. ત્રણ જણ બચી ગયા ભગવાનની કૃપાથી. એ જાતે ખસી ગયા માટે તેમનો આબાદ બચાવ થયો. પહેલા બાલ્કની તૂટી પડી અને પછી બારીઓ તૂટીને નીચે પડી ગઈ. હવે તંત્રએ અને મેઘધૂત એપાર્ટમેન્ટમાં જેટલા પણ રહીશો છે એ લોકોએ પણ જાગવું પડશે. 95% લોકો ભાડુઆત છે. મકાનમાલિકો કોઈ જોવા આવતું નથી. બોલાવ્યા છે તો પણ કોઈ આવતું નથી. અમારે આ બિલ્ડીંગ રીડ ડેવલોપમેન્ટ માટે હવે આપવું છે. જોકે એમાં પણ કેટલા લોકોની આડોડાઈ છે. એમને કરાવું નથી. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો હજી પણ મોટી ઘટના બનવાની શક્યતા રહેલી છે.