21 ગામના લાભાર્થીઓને જાણ ન થતાં કેમ્પમાં નબળી હાજરી
18માંથી અનેક અધિકારીઓ ગેરહાજર, શાળાના વિદ્યાર્થીઓને બહાર બેસાડીને કાર્યક્રમ યોજાયો
શિનોર: શિનોર તાલુકાના સેગવા મુકામે આયોજિત સેવા સેતુ 2.0 કાર્યક્રમ પ્રચાર અને પ્રસાર વગર યોજાતા તેનો ફિયાસ્કો થયાનો આક્ષેપ સામે આવ્યો છે. કાર્યક્રમમાં 21 ગામોના લાભાર્થીઓને લાભ આપવા માટે કેમ્પ યોજાયો હતો, પરંતુ અગાઉથી માહિતી ન આપતા લાભાર્થીઓની હાજરી ઓછી રહી હતી.
સેગવા ગામની પ્રાથમિક શાળામાં મામલતદાર મુકેશ જે. બારિયા તથા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જૈમીની પટેલની રાહબરી હેઠળ આ કેમ્પ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ 53 સેવાઓ માટે સંબંધિત 18 અધિકારીઓની હાજરી ફરજિયાત હોય છે, પરંતુ ઘણા અધિકારીઓ કેમ્પ સ્થળે હાજર રહ્યા નહોતા તેવી ફરિયાદો ઉઠી છે.
આ કાર્યક્રમમાં કુલ 21 ગામોના લાભાર્થીઓને આવવાની જાણ કરવાની હોય છે, પરંતુ ઘણા ગામોમાં સંપર્ક કરતા જાણવા મળ્યું કે સેવા સેતુ કાર્યક્રમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી. પરિણામે કાર્યક્રમમાં નબળી હાજરી જોવા મળી હતી.
કેમ્પ દરમિયાન આધાર કાર્ડ કાઉન્ટર પર પણ અરજદારો લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. કેટલાક કર્મચારીઓ જમવાના બહાને ગેરહાજર હોવાના આક્ષેપો પણ થયા છે.
કાર્યક્રમ સેગવા પ્રાથમિક શાળામાં યોજાતા વિદ્યાર્થીઓને બહાર બેસાડીને ભણતર ચાલુ રાખવું પડ્યું હતું. શાળાના શિક્ષકો મુજબ શાળાને કાર્યક્રમ અંગે એક દિવસ અગાઉ માત્ર મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે જો સેવા સેતુ કાર્યક્રમની તારીખ અને સમય અગાઉથી ગામોમાં જાણ કરવામાં આવી હોત તો લાભાર્થીઓને સાચા અર્થમાં લાભ મળી શક્યો હોત.
રિપોર્ટર: અમિત સોની