Godhra

પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ₹29.75 લાખથી વધુના પોષડોડા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

પંચમહાલ-ગોધરા SOG અને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

ગોધરા: આગામી ગણપતિ વિસર્જન બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે, “GJ-27-X-3728” નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં કેપ્સીકમ (શિમ્લા મરચાં)ની આડમાં પોષડોડાનો મોટો જથ્થો ભરીને ઇન્દોર-દાહોદ હાઇવે થઈને ગોધરા-અમદાવાદ તરફ જઈ રહ્યો છે.

આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના અભરામ પટેલના મુવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની બોલેરો પીકઅપ આવતા તેને રોકી હતી.વાહનમાંથી બે વ્યક્તિઓની પૂછપરછ કરતા, તેમણે પોતાના નામ બુધારામ ઉર્ફે અનીલકુમાર કિશનલાલ બિશ્નોઈ અને સોહનલાલ ઠાકરારામ બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. આ બંને આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી છે.પોલીસે બોલેરોની તલાશી લેતા, ઉપરના ભાગે મરચાંના 95 થેલા ભરેલા હતા. પરંતુ, તેની નીચે તપાસ કરતા, ગેરકાયદેસર પોષડોડા ભરેલા કુલ 37 કોથળા મળી આવ્યા હતા. FSL અધિકારીઓને સ્થળ પર બોલાવીને પોષડોડાનું વજન કરાવતા, તે કુલ 820.832 કિલોગ્રામ થયું હતું, જેની કિંમત ₹ 24,62,496 આંકવામાં આવી છે.આ ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન કિંમત રૂ. 13,000 અને બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂ. 5,00,000 સહિત કુલ ₹ 29,75,496 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંને આરોપીઓ વિરુદ્ધ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top